કંદરા/અતિપ્રિય અતિથિ

અતિપ્રિય અતિથિ

સાઈબીરીયાથી દર વર્ષે અહીં આવતાં
આ ફલેમિંગો હજી આવ્યાં કેમ નહીં?
ત્યાં જ ઠંડીથી ઠૂંઠવાતાં મરી તો નહીં ગયાં હોય?
કે પછી રસ્તામાં એમની કાંપતી પાંખો
એવાં જ સફેદ વાદળો સાથે ભૂલથી અથડાઈને
ચિરાઈ ગઈ હોય?
નળ-દમયંતીની વાર્તા કહેતો પેલો નાવિક
રાજા નળની જળસમાધિ બતાવી રહ્યો હતો.
હું જોઈ રહી, એની નાવ પર દોરેલાં લાકડાનાં ફ્લેમિંગો
ને પછી એ નાવિકની વહુએ ઘરમાં લીંપેલાં
માટીનાં ફલેમિંગો.
સરોવરમાં ઊગેલાં કુમળાં ઘાસનાં બીજ ફ્લેમિંગો.
વાંસનાં હલેસાં ફલેમિંગો.
કેટલાં બધાં! પણ બધાં જ સ્વર્ગસ્થ.
મારે તો જોવા હતાં હુંફાળા તડકામાં પાંખો શેકતાં,
સુંવાળાં સંવનન કરતાં,
માટીમાં ખાડા કરી ઈડાંઓ સેવતાં ફલેમિંગો.
જોકે, સરોવરનાં છીછરાં પાણીમાં રમતી
જળકૂકડી જોવાની મજા આવે છે,
પણ ફલેમિંગો કેમ ભૂલાય?
શાંત સ્વરૂપ અતિથિ.
જોજનો દૂરથી, ઠંડીથી બચવા, અહીં આવીને રહેતાં
અતિપ્રિય અતિથિ.
જોઈએ તો મારા શરીરની ઉષ્મા પણ હું તમને આપું.