કંદરા/એક કિશોરી

એક કિશોરી

ભૂમધ્ય સમુદ્રના ઊંડા પાણીમાં તરી રહી છે
એક કિશોરી.
પાણીનો વેગ આકાર આપે છે
એના અવિકસિત શરીરને.
એના હાથ નાનકડા પણ મજબૂત.
એના પગની પાની સતત વીંઝતી રહે છે પાણીને.
અને ઉપસી આવે છે અતિ સફેદ શરીરમાં
લીલી લીલી નસો બિહામણી.
એનો ચહેરો?
કાચ પર ઢોળાયેલા પાણી જેવો જ.
ગતિશીલ, પારદર્શક.
એની વાણી?
એ બોલતી જ નથી.
નહીં, એ મૂંગી નથી, પણ એ બોલતી નથી.
સમુદ્રના તળિયે ખૂંપેલા કાચના ટુકડા
ક્યારેક એને ઇજા પહોંચાડે છે,
પણ એના શરીરમાં લોહી જ ક્યાં છે?
હસવું આવી જાય એવી રબરની ઢીંગલી છે એ.
જેના માથા પરના વાળ મશીનથી સીવેલા છે.
હાથપગની આંગળીઓ જોડાયેલી છે.
અને અત્યંત ઉત્તેજિત કરતો ઉરપ્રદેશ છે.