કંદરા/ડોશીના વાળ

ડોશીના વાળ

ડોશીના વાળ.
આમળાં-અરીઠાંથી અસંખ્યવાર ધોવાઈ ગયેલા,
સુકા વાળ. માથાની જીર્ણ ચામડીમાં બચેલા
થોડા જર્જરિત વાળ.
લીખીયાના દાંતામાં ભરાઈને તૂટી જાય છે.
એ વાળનું ગૂંચળું બનાવીને પગના અંગૂઠામાં બાંધી દે છે.
અને અંગૂઠા આગળ લોહીનું ભ્રમણ થતું અટકી જાય છે.
એને યાદ આવે છે,
પોતે નાની હતી ત્યારે હવામાં ઊડતા ડોશીના વાળને
ફૂંકો મારી ઊંચે ને ઊંચે ઉડાવતી હતી તે.
પછી એના પોતાના વાળ ઉતારવાની વિધિ થઈ હતી તે.
અને એનો જન્મ સમયનો એક પ્રિય ફોટો,
તેલ માલિશથી ચમકતા વાળ અને શરીરનો.
અચાનક રસોડામાંથી વહુનો કર્કશ અવાજ સંભળાય છે,
એનો સફેદ વાળ કદાચ ઊડીને
રસોઈમાં પડી ગયો હશે એટલે જ સ્તો!