કંદરા/પ્રારંભિક

Revision as of 11:44, 10 March 2024 by Meghdhanu (talk | contribs)


બી. કે. મજૂમદાર ટ્રસ્‍ટ પ્રકાશન શ્રેણી : ૧૪



કંદરા




મનીષા જોષી







ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ

Kandara
 
A Collectin of Gujarati Poems by
 
Manisha Joshi                                             891.471
 


મુદ્રણ અધિકાર: મનીષા જોષી


પ્રથમ આવૃત્તિ: ૧૯૯૬


કિંમત: રૂ. ૬૫


પ્રત: ૫૦૦


પ્રકાશક  : માધવ રામાનુજ
પ્રકાશન મંત્રી
ગુજરાતી સાહિત્ય પરિષદ
આશ્રમમાર્ગ
અમદાવાદ - ૩૮૦૦૦૯


કોમ્પ્યુટર ટાઈપ:
સેટીંગ્સ
રંગદ્વાર સોફ્ટવેર સર્વિસિસ
એ/૬ પૂર્ણશ્વર, ગુલબાઈ ટેકરા,
અમદાવાદ - ૩૮૦૦૧૫


મુદ્રક : શિવકૃપા ઓફસેટ
૨૭, અમૃત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,
દૂધેશ્વર પાણીની ટાંકી પાસે, અમદાવાદ-૩૮૦૦૦૪

અર્પણ






પપ્પાને....







પ્રકાશકીય

સદ્ગત બી. કે. મજૂમદારના વસિયતનામામાં પ્રગટ થયેલી સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં નવા સર્જકોને ઉત્તેજન આપવાની એમની ઈચ્છાના અનુસંધાનમાં રચાયેલી શ્રી બી. કે. મજૂમદાર ટ્રસ્‍ટ પ્રકાશન શ્રેણી હેઠળ આ કાવ્યસંગ્રહ પ્રકાશિત થઈ રહ્યો છે.

આ શ્રેણીમાં સંસ્કૃતિરાણી દેસાઈના ‘સુર્યો જ સૂર્યો' કાવ્યસંગ્રહ પછીનો નારીકવિને રજૂ કરતો આ બીજો સંગ્રહ છે. આ બંને સંગ્રહોમાં કવિચેતનાએ માત્ર ગદ્યને માધ્યમ બનાવ્યું છે; તર્કને છોડીને મુખ્યત્વે તરંગને તરીકા તરીકે અપનાવ્યો છે. આવી સીમિત વર્તુળ રેખામાં સંસ્કૃતરાણીની કોટિ (conceit) તરફની દોડ અને મનીષાની અસંગત તરફની દોડ એમના કેટલાક વીજળીક આવેગોને સક્ષમ રીતે પ્રતિબિબત કરી શકી છે.

જીવન નર્હીં પણ એની પ્રક્રિયા અને એના પરની પ્રતિકિયા મનીષાને મન મહત્ત્વની છે. પ્રક્રિયા મારફતે એ જીવનની એકદમ નિકટ સરે છે, વાસ્તવને નિરીક્ષે છે અને પ્રતિક્રિયા મારફતે જીવનથી વેગળા હટી પોતાનું અતિવાસ્તવ અને પરાવાસ્તવ રચે છે. આવી રચના સૃષ્ટિમાં સૌથી વધુ હાથવગી સામગ્રી રહી છે મનુષ્યયોનિથી ઈતર પશુયોનિ. ઠેર ઠેર સંખ્યાબંધ પ્રાણીઓથી રચાતો અહીંનો શબ્દસંદર્ભ કવિના સંદિગ્ધ અંતરંગનો સંદર્ભ જ હોય છે. આ સંદર્ભ ક્યારેક તો ખુદમાં પ્રાણીઆરોપણ (Lycanthropy) સુધી પહોંચી જાય છે. એટલે કે આ સંદર્ભને સપાટી સાથે છે એથી વિશેષ ખીણ સાથે સંબંધ છે : સપાટી-સપાટી રમતાં રમતાં / છેવટે હું થાકીને મને થયું / ચાલને ખીણમાં પડું! (પૃ. ૩૨)

આમ જોઈએ તો આ રચનાઓ મુખ્યત્વે કવિના, બંધ બારણે થતાં રોમાન્સની કથાઓ છે. આંતરિક સંચલનના દસ્તાવેજો છે. એમાં પેટાળનું ધગધગતું પ્રવાહી છે અને અવકાશમાં મળનાર ઝેરી વાયુ પણ છે. એમાંથી જન્મતાં શિશુગ્રંથિ (બાળકોને જન્મ આપવાની, સ્તનપાન કરાવવાની વાત)નાં આવર્તનો અને નારી દેહનાં વિશિષ્ટ વેદનો ખાસ ધ્યાન ખેંચે છે.

અહીં ઘણીબધી રચનાઓમાં કેન્દ્રિય તણાવના અભાવને કારણે અસંગતની સીમ પર સામગ્રી વેરવિખેર થતી લાગે તેમ જ શિવાલય સાથે આવતું લોબાન (પૃ.૫૪); ગાયની અંદર ઊછરતો બળદ (પૃ. ૬૨) કે બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળ રૂપે જમાડતી સીતા મૈયા જેવાં સ્થાનો ક્ષતિ યુકત લાગે — છતાં ‘પ્રદક્ષિણા', ‘સસ્યસંપતિ', ‘જેલ', ‘રંગ', ‘ગોઝારી વાવ', ‘રોમાન્સ' જેવી રચનાઓ બેશક નીવડી આવી છે. શ્રેણીનો આ ચૌદમો મણકો છે.

— ચન્દ્રકાન્ત ટોપીવાળા
 

સર્જકનો શબ્દ

નાની હતી ત્યારે જાદુનો ખેલ જોવા જતી. જાદુગર એક છોકરીને લોખંડની મોટી પેટીમાં તાળું લગાવી પૂરી દેતો. પછી ઉપરથી છરા ભોંકતો. પણ એ છોકરી અદ્રશ્ય બનીને પ્રેક્ષકો વચ્ચેથી બહાર આવતી. હું મુગ્ધ બનીને જોઈ રહેતી, પણ એ વખતે ખબર નહોતી કે એ જાદુગર, એ પેટી, એ છોકરી, પાછાં આવશે, આમ કવિતા બનીને!

મારાં વાસ્તવ, પરાવાસ્તવ, અતિવાસ્તવ..., આજે પુસ્તક રૂપે પ્રગટ થઈ રહ્યાં છે એ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનો આભાર. એ સાથે જ મને સતત પ્રેમ-સ્વાતંત્ર્ય આપનારાં પપ્પા-મમ્મી-હીના, સૌ સ્નેહીઓ, મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

જીવવાની પ્રક્રિયાની પ્રતિક્રિયા એ કવિતા છે. હું લખું છું પણ હજી એને પામી નથી શકતી. એ મારી પહોંચની બહાર છે.

— મનીષા જોષી
 

આ ઈ-પ્રકાશન નિમિત્તે

“કંદરા”, “કંસારા બજાર” અને “કંદમૂળ” - મારા આ ત્રણે કાવ્યસંગ્રહો એક નેજા હેઠળ, ઈ-બુક સ્વરૂપે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા બદલ એકત્ર ફાઉન્ડેશનનો ખૂબ આભાર. આ સાથે આ પુસ્તકોના મૂળ પ્રકાશકો - ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ (કંદરા, ૧૯૯૬) અને ઈમેજ પબ્લિકેશન, મુંબઈ (કંસારા બજાર, ૨૦૦૧ તથા કંદમૂળ, ૨૦૧૩) નો પણ વિશેષ આભાર. આશા છે કે હવે આ કવિતાઓ ઈન્ટરનેટ પર સરળતાથી પ્રાપ્ય થતાં વાચકો માટે વધુ અનુકૂળતા રહેશે.

આ પ્રસંગ જોકે મારા માટે તો દરેક પ્રકાશન વેળાએ થતા એક પરિચિત આશ્ચર્ય સમાન છે કે, “શું આ કવિતાઓ મારી છે?” મને ક્યારેય મારી કવિતાઓ પ્રત્યે આધિપત્યની લાગણી નથી અનુભવાઈ કારણકે આ કવિતાઓ હજી પૂરી થઈ હોય એમ મને નથી લાગતું. કવિતાઓ કદાચ ક્યારેય પૂરી થતી પણ નથી. કવિતાનું સમાપન એક છળ છે. મને હંમેશ એમ લાગ્યું છે કે મેં મારી કવિતાઓ પૂરી કરવાને બદલે મેં તેમને અડધે જ ત્યજી દીધી છે. મને તો હજી એ સવાલનો પણ પૂરેપૂરો જવાબ નથી મળ્યો કે, હું લખું શા માટે છું? સમયના એક અતિ વિશાળ આયામ પર હું, ક્યાં અને કોની સામે વ્યક્ત થઈ રહી છું?

કોઈ કવિ માટે પોતાની કવિતા સુધી પહોંચવાની યાત્રા જેટલી જટિલ હોય છે તેટલી જ મુશ્કેલ યાત્રા કોઈ વાચકની, એ કવિતા સુધી પહોંચવાની હોય છે, જેને એ પોતાની કહી શકે. આ બંને સદંતર અંગત છતાં સમાંતર યાત્રાઓ છે. મારી સ્મૃતિઓના રઝળતા પ્રતીકો કોઈ વાચકના માનસપટ પર પોતાની થોડીક જગ્યા કરી શકશે તો મને ગમશે.

— મનીષા જોષી
 




Manisha Joshi.jpg

મનીષા જોષી

મનીષા જોષીનો જન્મ 6 એપ્રિલ, 1971, ગુજરાતમાં કચ્છ જીલ્લાના માંડવી ખાતે થયો. કચ્છમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ કોલેજનો અભ્યાસ વડોદરાથી કર્યો. 1995માં વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીથી માસ્ટર્સ ઓફ આર્ટસની ડિગ્રી મેળવી. કારકિર્દી માટે મુંબઇ અને લંડનમાં તેમણે ઘણા વર્ષો પ્રિન્ટ તેમજ ટેલીવીઝન મીડીયામાં પત્રકાર તરીકે કામ કર્યું. હાલ તેઓ અમેરિકામાં કેલિફોર્નિયામાં સ્થાયી થયા છે.

તેમના અત્યાર સુધીમાં ચાર કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. પ્રથમ સંગ્રહ “કંદરા” 1996માં ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો. એ પછી ઇમેજ પબ્લીકેશન્સ, મુંબઇ દ્વારા 2001માં બીજો સંગ્રહ “કંસારા બજાર” અને 2013માં ત્રીજો સંગ્રહ “કંદમૂળ” પ્રકાશિત થયો. ત્યાર બાદ 2020માં આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ., અમદાવાદ દ્વારા ચોથા કાવ્ય સંગ્રહ “થાક”નું પ્રકાશન અને 2020માં જ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા તેમના પ્રથમ ત્રણ કાવ્ય સંગ્રહોમાંથી ચૂંટેલી કવિતાઓનો સંપાદિત સંગ્રહ પણ પ્રકાશિત થયો.

“કંદમૂળ” કાવ્યસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ 2013નું પ્રથમ પારિતોષિક એનાયત કરાયું છે. ગુજરાતી લીટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકાએ તેમને વર્ષ 2018ના શ્રી રમેશ પારેખ એવોર્ડથી સન્માનિત કર્યા છે.

તેમના કાવ્યોની પસંદગી અનેક અંગ્રેજી પોએટ્રી એન્થોલોજી માટે થઇ છે જેમાં “બીયોન્ડ ધી બીટન ટ્રેક: ઓફબીટ પોએમ્સ ફ્રોમ ગુજરાત”, “બ્રેથ બીકમીંગ અ વર્ડ”, “જસ્ટ બીટવીન અસ”, “ઇન્ટીરીઅર ડેકોરેશન”, “ધી ગાર્ડેડ ટન્ગ: વીમેન્સ રાઇટીંગ એન્ડ સેન્સરશીપ ઇન ઇંડિયા”, “વીમેન, વીટ એન્ડ વીઝડમ : ઇન્ટરનેશનલ મલ્ટીલીન્ગ્યુઅલ પોએટ્રી એન્થોલોજી ઓફ વીમેન પોએટસ”, “અમરાવતી પોએટીક પ્રીઝમ” વગેરેનો સમાવેશ થાય છે. તેમની સાથેની મુલાકાત-વાતચીત ઇંડિયન લીટરેચર, નવનીત સમર્પણ, સદાનીરા જેવા સામયિકો તેમજ “જસ્ટ બીટવીન અસ”, “પ્રવાસિની” જેવા પુસ્તકોમાં પ્રકાશિત થઇ છે. તેમની કવિતાઓના અંગ્રેજી તથા હિન્દી અનુવાદ “ઇંડિયન લીટરેટર”, “ધ વૂલ્ફ”, “ન્યૂ ક્વેસ્ટ”, “પોએટ્રી ઇંડિયા”, “ધ મ્યૂઝ ઇંડિયા”, “સદાનીરા” વગેરે પ્રતિષ્ઠિત સામયિકો/વેબસાઇટસ પર ઉપલબ્ધ છે.