કંદરા/શુક

શુક

એક સાથે સેંકડો પંખીઓના ઊડવાના પાંખોના ફફડાટની
સાથે
તું આવે છે.
અને તું મારી સાથે રહે છે,
આખી બપોર બાલ્કનીમાં બેસી રહેલા કબૂતરની જેમ.
તું મારી સાથે વાતો કરે છે.
હારબંધ ઊતરી આવેલા શુક જેમ.
એ જ વર્ષોજૂની વાતો, શીખેલી અને ગોખેલી પણ.
તું એ બોલે અને હું ખુશ થઈને તને એક મરચું આપું.
છતાં તું જાય એઠવાડ શોધવા.
શું તને શંકા છે કે મેં જે કંઈ રાંધ્યું
એ બધું તને નથી ખવડાવ્યું?
જો તને એ શંકા હોય તો એ સાચી પણ છે.
મેં થોડુંક બચાવ્યું છે,
સાંજે અગાશી ભરીને આવતા કાગડાઓ માટે.
કારણ કે એ કાગડાઓ જ રોજ મારી બારસાખે બેસીને
બોલે છે કે કોઈ આવશે.
અને પછી જ તો તું આવે છે.
એક સાથે સેંક્ડો પંખીઓના ઊડવાના,
પાંખોના ફફડાટની સાથે.
એ પાંખોમાંથી ખરેલાં પીંછાં હું ભેગાં કરું છું.
અને એક નવી પાંખ બનાવું છું.
પેલા બાલ્કનીમાં બેસી રહેલા કબૂતર માટે
અને તું ઊડી જાય છે.