કંસારા બજાર/અંધારું

અંધારું

અંધારાના ઓળા ઊતરી આવ્યા છે, શહેર પર
સાવ પાસે સૂતેલા પ્રિયજન
નથી દેખાતાં હવે નરી આંખે.
હાથ, આ બે હાથ,
ફંફોસી રહ્યા છે,
અજાણ્યા શરીરોને.
ફર્નિચરની ધાર હાથને વાગે છે
અને હાથ શરમાઈ જાય છે,
અંધારું નહોતું ત્યારે ડર લાગતો હતો
ખુરશી, ટેબલ અને ગ્લાસના સુરેખ આકારોથી.

અત્યારે હવે અંધકારનું
એક આકારહીન આવરણ મને
આહ્વાન આપી રહ્યું છે,
અંધારું હવે ઘટ્ટ બન્યું છે,
બરાબર મચ્યું છે, બરણીમાં ભરેલા અથાણાની જેમ
સહેજ ખાટું પણ થયું છે.
મને ગમે છે, જાતજાતનાં અંધકાર
કૂવાનું અંધારું રાખોડી,
થડનું અંધારું તપખીરિયું, તો,
કોઠારનું અંધારું ઘઉંવર્ણું.
અને આપણા શયનખંડનું અંધારું?
૮૪ લાખ યોનિઓના અંધકાર અહીં છે,
તેની વચ્ચે,
તારી ત્વચાના રંગને યાદ કરવા હું મથી રહી છું.
ઘરનાં નળિયાં ઠેકીને ભાગી રહેલા અંધારાને
તું રોકી રાખજે સવાર સુધી.