કંસારા બજાર/અશરીર

અશરીર

મારી નજર સામે એક વળ ખાઈ રહેલું શરીર છે,
એ શરીર કોઈ પશુનું છે, પક્ષીનું છે,
કે પછી મારું છે તેની મને જાણ નથી.
પીડાથી ત્રસ્ત એ શરીરને જોઇને થાય છે,
કેવું હોતું હશે અ-શરીર,
જેણે ક્યારેય વેદના જ નહીં અનુભવી હોય?
અહીં તો મારી નજર સામે છે,
સૂજી ગયેલા સ્નાયુઓ, મરડાઈ ગયેલી ડોક,
બહાર આવી ગયેલી આંખો અને
તૂટી ગયેલાં હાડકાં.
છૂટાં પડી ગયેલાં શરીરના અવયવો
પીડારહિત હોય તેવું લાગે છે,
પીડાનું સ્ત્રોત,
કોઈ સ્થૂળ શરીર,
વળ ખાઈ રહ્યું છે મારા મનમાં
અને હું વેદનાથી બેહોશ થઈને
લવારી કરું છું,
બણબણતાં જંતુઓની ભાષામાં.
પીડાનું સ્ત્રોત કોઈ સ્થૂળ શરીર
હવે વિરાટ રૂપ ધારણ કરી રહ્યું છે.
એ શરીરનો ચહેરો હું શોધી રહી છું,
મારા પ્રિયજનોમાં.