કંસારા બજાર/અશ્વપુરુષ

અશ્વપુરુષ

તું કેવી રીતે હોઈ શકે મારો જીગિત*?
તું મારા કરતાં તારા અશ્વોને વધારે ચાહે છે,
તારા હાથમાંથી હવે છૂટી ગયાં છે, પલાણ.
ઘોડાઓ દોડયે જાય છે, પવન સાથે વાતો કરતા,
અને તું, બસ જીત્યા કરે છે,
નવા નવા પ્રદેશોને,
પણ હું હજી હારી નથી તારી સામે.
તારા ઘોડારમાં પાગલ અશ્વો સૂઈ જાય ત્યારે,
ક્યારેક નજર પરોવજે મારી આંખોમાં.
સાંકળોમાં જકડાયેલા કેદીથી વિશેષ તું કંઈ જ નથી.
તારા અશ્વો કરતાં પણ
પાણીદાર છે મારી પીઠ.
શક્તિથી તરબતર, હણહણતા અશ્વોના પગ તળે
કચડાઈને મરી જવું,
એ તારી અંતિમ ઇચ્છા છે તે હું જાણું છું.
પણ, તું એક વાર
મારા પગ તરફ તો જો.
જો, મારા પગમાં ખરીઓ ફૂટી છે.
મારી પાસેથી જ મળશે તને
એક જીગિતનું મોત.


જીગિત : રશિયન ભાષામાં અર્થ છે એક કુશળ ઘોડેસવાર