કંસારા બજાર/અશ્વ, મૃત

અશ્વ, મૃત

અશ્વની પીઠ પર છે, મૃત અસવાર,
અશ્વ હવે ફરતો ફરતો
ક્યાં જઈ પહોંચશે?
એક અસવાર બેઠો છે, મૃત અશ્વ પર,
અશ્વ પવનવેગે ઊડે, તેની રાહ જોઈને.
અશ્વ ક્યારે ઊડશે?
એક નગર મૃત અશ્ચોનું,
એક નગર મૃત અસવારોનું.
અશ્વો અને અસવારોનાં અસ્થિ
એકમેકમાં ભળી ગયાં છે.
ખરીઓ અને ખોપરીઓ વચ્ચે
અટવાઈ રહ્યાં છે, સપનાઓ,
કોઈ શોધે છે ગતિ,
તો કોઈ શોધે છે, વિસામો,
જીતેલા પ્રદેશો ખૂબ પાછળ રહી ગયા છે.
આ અસવારોને હવે રોકવા ક્યાં?
આ પ્રાણવાન અશ્ચોને હવે દાટવા ક્યાં?