કંસારા બજાર/ઉદાસી

ઉદાસી

ઉદાસીનું જન્મસ્થાન
પેલું દૂર દેખાઈ રહ્યું છે,
એ મંદિર જ છે.
ભાવિકોની બંધ આંખો તળેથી
અંધારું પેદા થાય છે, અંધારું વકરે છે.
ભક્તજનો ઝનૂનથી થાળી-મંજીરાં વગાડે છે.
આરતીનો એકધારો અવાજ
મંદિરમાં પ્રસાદ માટે આમતેમ રઝળી રહેલા
ઉંદરને બેબાકળો બનાવી દે છે.
રાત્રે પૂજારી, મંદિરને તાળું મારી સૂઈ જાય
એટલે વ્યગ્ર ઉદર દેવીનાં વસ્ત્રો કાતરી ખાય છે.
લજ્જાની મારી દેવીએ
આત્મહત્યા કરી લીધી છે.
ઉંદર પણ પાંજરામાં મૃત પડયો છે,
પૂજારીએ મૂકેલો ઝેર ભેળવેલો પ્રસાદ ખાઈને.
સવારે મંદિર, મૂર્તિ વિનાનું, સાવ ખાલી ખાલી
ભક્તો નિરાશ વદન, ઉદાસ ઉદાસ
શોધી રહ્યા છે,
કોઈ નવી દેવીને.