કંસારા બજાર/ખાલી અંતર

From Ekatra Wiki
Revision as of 00:06, 22 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ખાલી અંતર

ટ્રેન હજી ઝડપથી દોડે તો સારું.
નહીં તો આ બારી બહાર દેખાતાં
ખુલ્લાં મેદાનો પ્રવેશી જશે મારી અંદર.
વગડાના આ ખુલતા જાંબલી રંગનાં ફૂલો
ચકિત કરી નાંખશે મને.
આ અજાણ્યાં ગામ
જાણે જન્માંતરોના મારા જન્મસ્થળ હોય
તેવા હકથી રસ્તામાં આવે છે
અને હું કંઈ જ નથી કરી શકતી.
થોડી વાર પહેલાં દેખાતા હતા
એ હિંસક લાગતા થોર
હવે કપાયેલા, ઢગલામાં પડેલા દેખાય છે.
જાણે બાવડા વગરના માણસો સૂતા હોય
ને હાથ વગર વીંઝાઈ રહેલા માણસ જેવી હવા,
તેને ચીરી જતી આ ટ્રેન
હવે ક્યાંક રોકાય તો સારું.
એક ગામથી બીજે ગામ વચ્ચેના
ખાલી અંતરોમાં, ક્યાંક,
હું વસી જવા માગું છું.