કંસારા બજાર/દરિયાના તળિયે

દરિયાના તળિયે

ઊંડે, હજી ઊંડે
સમુદ્રના પેટાળમાં
રાત પડી ને અંધારામાં
જળચરોની આંખોના અજવાળાએ
રસ્તો ચીંધ્યો.
ડૂબી ગયેલું વ્હાણ ફરી બેઠું થયું.
સજીવન થયા મુસાફરો પોતપોતાની જગ્યાઓ પર.

એક પછી એક લુપ્ત નગરો
મળતા ગયા સમુદ્રના તળિયેથી.
મુસાફરો તેમનાં ઘર ઓળખી લઈને ઊતરી ગયા.
હવે વ્હાણ એકલું, દરિયાના તળિયે,
સાચાં મોતીના ઝાંખા ઝાંખા પ્રકાશમાં
રઝળી રહ્યું છે
ખારવાઓના સપનામાં.
ખારવાની વહુની કોરીધાકોર આંખોમાં
લંગર બંધાય છે
એક અવગતે ગયેલા વ્હાણનાં.