કંસારા બજાર/પાછળ ફરીને જોવું

પાછળ ફરીને જોવું

પાછળ ફરીને જોવું
ક્યારેક ગમે છે.
તું નથી તેની ખાતરી થઈ જાય છે.
મને યાદ છે એ દિવસ,
મંદ હવામાં પક્ષીઓ ધીમાં ઊડતાં હતાં.
તું કંઈક બોલ્યો હતો, ને
એ પછી તડકો પથરાયો હતો.
રસ્તાઓને સોનેરી ઉઘાડ આવ્યો હતો.
અને આજે?
સરુનાં વૃક્ષોમાંથી વેરણછેરણ થઈને આવતાં
સૂર્યનાં કિરણો.
મારી આંખ સામે નૃત્ય કરી રહ્યાં છે.
પવનથી પાંદડાઓ હલે છે
અને સૂર્યકિરણોનો નાચ
તેમ તેમ આક્રમક બનતો જાય છે
લાગે છે કે
તું છે,
અહીં જ ક્યાંક, તું છે.