કંસારા બજાર/બે હાથ, રસનીતરતા

બે હાથ, રસનીતરતા

બહાર મારી હવેલીની હરાજી થઈ રહી છે.
હું પણ એની ન ઓછી, ન વધારે
એવી એકાદ અસ્પષ્ટ કિંમત બોલીને
ચૂપ થઈ જઉં છું.
મને ભેટ મળેલી માટીની એક દેગ હતી એ
હવેલીમાં,
એ દેગમાં રાંધેલું, હું કેટલાયને જમાડતી
તોયે કદી ખૂટતું નહીં.
અત્યારે હવે વેરાન પડેલી એ હવેલીનો
કાટમાળ ખસેડું છું તો
મળી આવે છે,
મારા બે રસનીતરતા, પ્રેમાળ હાથ.
માટીની દેગનાં ઠીકરાં
હું ફરી ભેગાં કરું છું
અને રાંધું છું મારી એકલીની રસોઈ,
તો પણ ખૂટે છે.