કંસારા બજાર/રાત સાથે રતિ

રાત સાથે રતિ

હવે તો કરવી જ પડશે રતિ,
આ રાત સાથે.
હંમેશાં મારી ઉપર પથરાયેલી રહેતી આ રાતને
એક વાર મારી નીચે સૂવડાવીને જોવી છે.
આખરે ક્યાં સુધી માન્યા કરવાના
પવિત્ર, આ અંધારાને?
હવે એક વાર આંખો ખુલ્લી રાખીને
કરી મૂકવી છે, હતપ્રભ, આ રાતને.
રાતનો વિનયભંગ કરવાની રીત તો જોકે ઘણી છે.
એક વાર બસ,
રાતરાણીની સુગંધથી મોહિત થયા વગર
મારે જોવું છે,
રાતરાણીના લીલા બીજમાંથી
કેવી રીતે ખીલે છે આ સફેદ ફૂલ.
નહીં, નથી ખુલી રાખી શકાતી આંખો
આ કાળી, અંધારી રાતમાં.
આંખો આંજી દેતા સૂરજ સામે હું જોઈ શકું
પણ આ રાત સામે નહીં.
મારો કોઈ કાબૂ જ ન હોય તેમ
દષ્ટિ સરી જાય છે
કોઈ સાવ જ અગોચર પ્રદેશમાં.
જઈને સૂઈ જાય છે.
ખૂબ બધાં ચામાચીડિયાં લટકતાં હોય
તેવી કોઈ સીમમાં.
ચામાચીડિયાના લીસા શરીર પરથી
રાત સરી જાય છે
અને હું સવારે શોધતી રહી જઉં છું
સગડ વિનાની સીમને.