કંસારા બજાર/વિકલાંગ યાત્રા

વિકલાંગ યાત્રા

હું ટ્રેનમાં બેસું છું ત્યારે
મારા વિચારો જાણે
ટ્રેનના વિકલાંગોના ડબ્બામાં
બેસી જાય છે.
ટ્રેન એક અવશ શરીર જેમ
ફંગોળાય છે
એકથી બીજા ગંતવ્યસ્થાન તરફ.
અજાણ્યાં હવા, પાણી, આકાશ
મને સ્પર્શી લેવા મથે છે, પણ
મંદ બુદ્ધિ કંઈ ગ્રહી શકતી નથી.
હોઠના એક ખૂણેથી ટપકતી લાળ સાથે
સરી જાય છે અજાણી સમજણ.
હું સ્થિર, સુગ્રથિત બેઠી છું.
ઇન્ડીકેટર ખાલી છે, પ્લેટફોર્મ સૂનાં છે.
ટ્રેન ચોમેર ફરી વળીને.
સમેટાઈ જાય છે મારી અંદર,
જાણે મદારીના પોટલામાં સાપ વીંટાઈ જાય,
સાપનાં હાડકાં તૂટવાના અવાજ મને સંભળાય છે
મારું વિકલાંગ શરીર સહેજ સળવળે છે
અને ધમણની જેમ હાંફતી,
પોરો ખાતી ટ્રેનમાં
ફરી અજંપો ફરી વળે છે.