કંસારા બજાર/શોધ

શોધ

સાવ ખુલ્લા પડી ગયા છીએ આપણે.
ત્વચાની આરપાર રુધિરતંત્રની અંદર,
આંટી વળી ગયેલી શિરાઓમાં,
ગઠ્ઠા બાઝી ગયેલી લાગણીઓ વચ્ચે,
જીવલેણ વાયરસની જેમ ફરી વળતા વિચારો,
બધું જ જોઈ શકીએ છીએ.
જ્યારે અંદર કંઈ જ છુપાવવાનું ન હોય ત્યારે શું થાય?

આપણે નીકળી પડીએ, બહાર
જંગલ, મહેલ, ખંડેરના ભોંયરાના રસ્તે
કોઈ અજ્ઞાત ખજાનાની શોધમાં
ખજાનો મળી જતો લાગે ત્યારે આપણે
નિરાશ થયાનો ડોળ કરી, પાછા વળી જઈએ.
ફરી નવો રસ્તો પકડી,
આવીએ એ જ ખજાના તરફ
અને ફરી પાછા વળી જઈએ.
ઉંદર-બિલાડીની ભુલભુલામણી જેવા
સહેલા રસ્તા છતાં આપણે અટવાઈએ
ખજાનો ન મળે તે આપણા સૌના હિતમાં છે
ખુલ્લાં શરીર અને ખુલ્લા ખજાના,
જીવવા નહીં દે, પછી કોઈ કારણ.