કંસારા બજાર/સંધ્યાટાણે

સંધ્યાટાણે

મારી આંખો પાછળ મેં કંઈક છુપાવી લીધું છે.
ડૉક્ટર બિચારો ઓપરેશન પર ઓપરેશન કર્યે જાય છે.
આંખો પરથી સફેદ પટ્ટી હળવેકથી ઉતારીને
સામે ઊભો રહે છે.
આશાસ્પદ ચહેરે પૂછે છે,
હવે દેખાય છે? હવે દેખાય છે?
હું કહું છું, ના.
એને ક્યાં ખબર છે, કે સંધ્યાટાણે
સાવરણીથી ઘરમાં ઝાડુ વાળવાનો
અપરાધ કરતી વખતે, મને સ્પષ્ટ દેખાય છે,
કોપાયમાન થયેલા ત્રિદેવ સુધ્ધાં.
અરે, અંધ નાગણો આવે છે મારી પાસે
અને માથું નમાવીને પૂછે છે,
એમના નાગના હત્યારાઓ વિષે.
જન્મજન્માંતરોની આરપાર જુએ છે મારી દૃષ્ટિ.
પણ નથી ઓળખી શકતી
એક ધૂંધળા ચહેરાને.
બકરીના તાજા, હૂંફાળા દૂધની સેડ
કોઈ મારી આંખોમાં નાંખે છે.
આંખોમાં એવી ગલીપચી થાય છે કે ન પૂછો વાત.
નહીં, આનાથી વધુ
હવે કંઈ જ નથી યાદ.