કથાચક્ર/૨


સુરેશ જોષી

પડોશના દામુ ડોસા – સંધિવાથી પીડાતા ઘૂંટણે હાથ દઈને એક એક પગથિયું ઊતરે છે, બીજી બાજુના પડોશમાં ગાંડાં કમળાડોશી રાગડો તાણીને ભાગવત કે ગિરધરકૃત રામાયણ વાંચે છે, સામેને ઘરે ઊંચે સાદે પત્ની પતિને દબડાવે છે, નાનાં છોકરાં હેબતાઈ જઈને રડું રડું થઈ રહ્યાં છે; એની બાજુમાં એક જુવાનિયો કલ્પિત વેદનાને ઢાંકેલી અંધારી ઓરડીમાં ઘૂંટતો ઘૂંટતો ગુંજતો પડ્યો છે, પડખેના ઘરની પ્રૌઢા કુમારિકા એ સૂર કાન દઈને સાંભળતી ઘડીક અન્યમનસ્ક થઈ જાય છે, છેલ્લે ઘરે ક્ષયની છેલ્લી અવસ્થામાં પડેલી યુવાન વહુ ઓટલે બેઠી બેઠી તડકો ખાય છે… આ બધું ચક્રાકારે ઘૂમે છે, એ ઘડીભર દૂર સરીને આ જોયા કરે છે. પણ એ બધું હવામાં કણ કણ થઈને ફેલાય છે: પગ વાળીને બેસતાં સહેજ સરખું થતું કળતર, પ્રૌઢા કુમારિકાની દૃષ્ટિની નિરપેક્ષ અધીરતા, ક્ષયના દર્દીની ઉત્તેજના. દૃષ્ટિ પર આ બધાંનું આછું આવરણ, શબ્દોને ફોલીને પોલા કરી નાખનારો કીટના જેવો એનો પ્રયાસ, ભક્ષ્યની અવિરત શોધ.

એ સંજ્ઞા સાથે પોતાની કોઈ આન્તરિક સંજ્ઞાનું સમીકરણ શોધવાનો એણે પ્રયત્ન કર્યો નહીં. એ બારણા આગળ ઘડીક ઊભો રહ્યો, દશેરાના વાસી ગલગોટાના તોરણને એ જોઈ રહ્યો. અંદરનો, ઘરની વળીઓમાં કોકડું વળીને બેઠેલો અન્ધકાર એણે વાંકા વળીને જોવાનો પ્રયત્ન કર્યો…

‘કોનું કામ છે?’

‘કોઈનું નહીં.’

એ અંદર પ્રવેશ્યો, કે પછી કશાકની બહાર નીકળી ગયો તે એને સમજાયું નહીં. બહાર જઈએ છીએ ત્યારે કશાકમાં પ્રવેશતા હોઈએ છીએ ને પ્રવેશતા હોઈએ છીએ ત્યારે કશાકની બહાર નીકળતા હોઈએ છીએ… બહાર, અંદર – બંને શબ્દોના પડને અવળાસવળા કરીને એ ગૂંથવા લાગ્યો.

પૂજાની ઓરડીના ચન્દનમિશ્રિત અન્ધકારમાં એક છાયા સળવળી, ગીતાપાઠ અટક્યો નહિ.

‘મા, એ ગીતાના પાને પાને, અક્ષરે અક્ષરે મારી આંખો વેરાયેલી પડી છે. તેં એને એકઠી કરી લીધી છે? એની પોટલી સાચવીને માળિયે મૂકી રાખી છે?’

ટેબલક્લોથમાં જડેલા આભલા પૈકીના કેટલાક અર્ધા તૂટી ગયા છે, કેટલાક પૂરા નીકળી ગયા છે, ધુમાડાથી ઝાંખી બનેલી કેટલીક છબિઓમાંના ચહેરા નિનિર્મેષ નેત્રે તાકી રહ્યા છે. એ છબિઓમાંના ચહેરાઓ હવે અવળા ફરીને બીજી તરફ કેમ નહીં જોતા હોય? હીંચકો હવે નથી, એની જગ્યાએ શૂન્ય અવકાશ પોતાના જ પ્રેતને ઝુલાવ્યા કરે છે. સામેની દીવાલ પર ઘડિયાળ છે, પણ એના ચંદા પર કાંટા નથી, પણ સમયની ટેકણલાકડી ખૂંચવીને કોઈએ એને ચાવી આપવાનાં બે કાણાંમાં પૂરી દીધો છે. એ બે કાણાંમાંથી એની આંખો નિષ્પલક તાકી રહી છે. ટેબલ પાસેના ઘોડા પર ચોપડીઓની થપ્પી છે, એની પરના ધૂળના થર પર હજી એની આંગળીની છાપ હશે ખરી? ને ‘સરસ્વતીચન્દ્ર’ના પહેલા ભાગમાં સંતાડેલો પેલો કાગળ? એ કાગળમાં સંતાઈને આવેલી એ …

‘તું કેમ કશું લખતો નથી?’

‘બારાખડીના બધા અક્ષર હું જઈ પહોંચું તે પહેલાં લુંટાઈ ગયા, મારે ભાગે આવ્યો માત્ર વિસર્ગ!’

એની આંખ બધી વસ્તુ પરથી સરી પડતી હતી. બધી વસ્તુ ફૂલી ગઈ હતી, શૂન્યતાનો આખા ઘરને સોજો ચઢ્યો હતો. એના કળતરનો ધબકાર ઘરની હવામાં હતો. એની બીકથી એ ‘મા’ જેવું એકાક્ષરી સમ્બોધન પણ ઉચ્ચારતો નહોતો. અક્ષરમાં પોતાજોગું પોલાણ કાઢી લઈને એ ધબકાર ઘર કરી લેતો હતો. વળીઓમાં ભરાઈ બેઠેલો અન્ધકાર ઘટ્ટ મૌનમાં ઓગળતો જતો હતો. એના દ્રાવણનો ભેજ અવાજ માત્રને સાવ લૂલા કરીને ભાંગી નાખતો હતો. અબરખનાં પડ જેવાં બાર વરસ એની ને બધી વસ્તુ વચ્ચે જડાઈ ગયાં હતાં. ન બોલાયેલા શબ્દોની મેશથી બધું એકસરખું લીંપાઈ ગયું હતું.

પૂજાની ઓરડીમાં ઘંટડી રણકી, ઘડિયાળના ચંદા પરનાં બે કાણાંમાં જાણે બે આંખો તગતગી ઊઠી; ઘંટડીનો રણકાર લથડતો અથડાતો બહાર નીકળી જવા જાણે માથું પકડવા લાગ્યો. ઘરમાંના બધા અસબાબે એને થોડો થોડો કરીને શોષી લીધો. એના અવશેષનાં હાડપિંજર પણ અહીંની હવામાં શોષાઈને પડ્યાં છે. એને ઓગાળીને સારવી લેવાનું શક્ય બની શકે ખરું?

પૂજાની ઓરડીમાંથી મા બહાર આવી. એ બારી આગળ જઈને ઊભો, રેખાઓ એક બીજાને છેદતી નથી, ખૂણાઓ પડતા નથી. સાંકડા અવકાશમાં બે આકૃતિઓ અનેક છૂપા ચીલાઓને શોધતી ફરે છે. પોતાનામાં નવા નવા ચીલા પાડીને ઘણા આકારો ઘૂમી રહ્યા છે. એ આકારને ચહેરા નથી, અંગો નથી, છે માત્ર વિશ્લિષ્ટ રેખાઓ – ના, રેખાઓ પણ નહીં, બિન્દુઓ.

બારી પાસે ઊભા ઊભા એણે માને જોઈ. વીતેલાં વરસોનું કઠણ કોચલું ઉપર એવું તો સખત થઈને બાઝી ગયું હતું કે એની બહાર એ આવી શકે તેમ હતું જ નહીં. આ ઘર પણ વીતી ચૂકેલા સમયનું ખોખું માત્ર બની રહ્યું હતું. એ જોયા કરતો હતો: મા એક વસ્તુ પાસેથી બીજી વસ્તુ પાસે જતી હતી. એક લેતી ને બીજી મૂકતી, એ અહીંથી તહીં ઘૂમ્યા જ કરતી હતી. આ ગતિના ડહોળાયેલા પ્રવાહમાં એના આકારની રેખાઓનું વક્રીભવન થઈ જતું હતું. એનું મન ધૂંધળું બનતું જતું હતું. કશાક તેજાબથી એને એ ધોવા ઇચ્છતો હતો. ધોવાને નિમિત્તે તેજાબથી દાઝવા ઇચ્છતો હતો, દાઝીને ચામડીની જેમ કશુંક ઊતરડી નાખવા ઇચ્છતો હતો.

‘કાયર, કાયર!’

‘તું બહાદુર છે તો ભાગતી કેમ ફરે છે?’

‘હું ભાગતી ફરું તો મને શોધવાનું સાહસ તો તું કરે!’

‘તારામાં શોધવાનું તે વળી છે જ શું?’

‘તેં શું શોધ્યું છે, કહે જોઉં?’

‘જાદુનો મન્ત્ર.’

‘એથી શું થાય?’

‘એ મન્ત્ર ફૂંકતાંની વારમાં તું…’

‘બસ, બસ.’

‘આ શું કરે છે? આમ તે બાઝી પડાતું હશે? તું કોણ, હું કોણ…’

‘બહુ બહાદુર છે ને, તો મને ઊતરડી નાખ જોઉં.’

અંધકારને ચઢાવેલા અસ્તરના જેવો તડકો, સૂતેલા યમની ફરકતી મૂછના જેવી કંપતી હવા, પોતાની જ ગતિના નટવાના દોર પર ચાલતી મા – એ શોધવા લાગ્યો: દાદીમાની પેલી વાર્તામાંની પરીની પાંખનું એકાદ પીછું; બાળપોથી પરના, અનિશ્ચિત ડગમગ થતા હાથે લખેલા, નામના એકાદ-બે અક્ષરો; દાદાની બીકે ઉતાવળથી સંતાડી દીધેલાં એક-બે ડૂસકાં…

ઘરની અંદરના તસતસતા શૂન્યની અંદરના સબકા સાથે તાલ જાળવીને મા ફર્યે જતી હતી – આ ચાલવાનો રોગ એનેય શું નહોતો? એ કશાની જોડેનો તાલ જાળવવાને ચાલતો હતો કે પછી –

‘બસ, હવે મારે નથી ચાલવું, હું તો આ બેઠી.’

‘થાકી ગઈ?’

‘ના.’

‘તો?’

‘તું જે કારણથી ચાલે છે તે મને નથી રુચતું.’

‘કયું કારણ?’

‘પગલે પગલે કશુંક ભૂંસ્યે જવાનું, નિ:શેષ કર્યે જવાનું.’

‘જા જા, ગાંડી!’

‘જોને, તારો ચહેરો જ કહી આપે છે ને! જો હમણાં ને હમણાં ભૂસી નહીં નાખે તો પગેરું કાઢનારા તરત આવી ચઢશે, પકડશે – ને તારે ક્યાં કોઈથી પકડાવું છે? એથી જ તો તું લોકોના ચહેરાઓ વડે તારો ચહેરો ભૂંસે છે, ક્યાંક પગલાંની છાપ પડવા દેતો નથી.’

‘બસ, બહુ થયું. એ બધું તું જાણે છે તો મને કેમ પકડાવી દેતી નથી?

‘પકડાવી દઉં તો શું ઇનામ આપશે?’

‘મને જે શિક્ષા થશે તે તને ઇનામમાં આપી દઈશ.’

‘કબૂલ.’

‘તો પકડી લે મને.’

‘લો, વળી પાછું ચાલવા માંડ્યું!’

‘બેઠેલાને તો સૌ કોઈ પકડે, એમાં શી બહાદુરી?’

‘તું ચાલે એનો મને વાંધો નથી. શરત માત્ર એટલી કે હું જે દિશામાં ચાલું તેની વિરુદ્ધ દિશામાં તારે ચાલવાનું.’

‘તારી કઈ દિશા?’

‘તારી જે નહીં તે.’

એણે જોયું: એના પડછાયા પર થઈને મા ચાલતી નથી, એને ટાળીને ચાલે છે; એના પડછાયાને એ ઓળખે છે, એની એને માયા છે. આ ઘરમાં માયા બચી છે ખરી – વિચાર પૂરો મનમાં પ્રકટે તે પહેલાં જાણે કશીક પાંખના ફફડાટની ઝાપટથી બુઝાઈ ગયો. એની આંખ આગળથી બધું ભુંસાઈ ગયું. એ નર્યા નિરાકાર અવકાશમાં તરવા લાગ્યો – એને થયું: ક્યાં ગયું મારું વજન?

‘લાવ મારી ચોપડી.’

‘લે.’

‘અંદરથી શું કાઢી લીધું?’

‘પીપળાનું પાંદડું.’

‘કેમ?’

‘મને ગમે છે. બધી નસના તાંતણા દેખાય એવું પારદર્શી, આકારની રેખા અકબંધ, છતાં એ રેખા નરી માયા હોય એવો દેખાય – તું મનેય એવો પારદર્શી, માયારૂપ કરીને બે પડ વચ્ચે દબાવીને રાખી શકીશ?’

‘પણ પછી બહાર નહીં કાઢું, બહાર કાઢું તો તો પવનમાં ઊડી જ જાય ને! માયાને કાંઈ થોડું જ વજન હોય છે?’

માના આંટાફેરા ચાલુ જ છે, ઘડિયાળના ચંદામાંની પેલી બે પોલી આંખો એમની એમ તાકી રહી છે, દામુ ડોસા ઘૂંટણે હાથ દઈને એક પછી એક પગથિયું ઊતરે છે, ગાંડાં કમળાડોશી રાગડા તાણીને વાંચે છે – ‘ગીતાની પોથીમાં વેરાઈ ગયેલી મારી આંખોની પોટલી તેં કયા દરમાં સંતાડી રાખી છે? એ દરમાં તો મણિધર નાગ રહે છે. મારી આંખોનો ખજાનો તારે એને સાચવવા સોંપવો છે?’ આ શબ્દો એના મનમાં પ્રકટ્યા, પણ બીડેલા હોઠનાં બે પડ એણે છૂટા કર્યાં નહીં, રખે ને પીપળાનું પાંદડું ઊડી જાય…