કથોપકથન/પરિશિષ્ટ


પરિશિષ્ટ

સુરેશ જોષી

1.અભાગિયા આદમી, તારો દેવ તો ટુકડેટુકડા થઈને ધૂળભેળો થયો છે, અને એની આજુબાજુ સાપ રહે છે. અને હવે તું એ દેવને ખાતર સાપને પણ ચાહતો થઈ ગયો છે. – નિત્શે


2.આપણને સમજાય છે કે આપણે શો પાઠ ભજવવાનો છે તેની જ આપણને ખબર નથી: આપણે દર્પણ શોધીએ છીએ; ચહેરા પર લગાડેલા રંગના લપેડા ને ખોટાં દાઢીમૂછ દૂર કરીને આપણે, જેવા વાસ્તવમાં હતા તેવા, થવા ઇચ્છીએ છીએ. પણ ક્યાંક કશુંક ચોંટી રહે છે – આપણી ભમરને વધારે જાડી ને કાળી કરેલી તે ભૂંસી નાંખવાનું આપણે ભૂલી જઈએ છીએ, હોઠના ખૂણા વધારે પડતા વાળેલા છે તેનો આપણને ખ્યાલ રહેતો નથી – ને આમ, પોતાને જ હાથે પોતાની હાંસી ઉડાવતા, આપણે અરધુંપરધું જીવીએ છીએ: નથી બની શકતા પૂરા માણસ કે નથી બની શકતા સાચા નટ. – રિલ્કે


નૈષ્કર્મ્ય 3.સમસ્યા આ છે: વરસો પહેલાં એક દિવસ હું, લૌરેનઝીબર્ગના ઢોળાવો પર, સારી એવી ઉદાસ મનોદશામાં બેઠો હતો. મને સમજાયું કે સહુથી મહત્ત્વની અથવા સહુથી આનન્દદાયક ઇચ્છા તો હતી જીવનની એક દૃષ્ટિ મેળવવાની. (અને એની સાથે અવશ્ય પણ એય વાત સંકળાયેલી જ હતી કે બીજાઓને લેખનથી એ ગળે ઉતારવી.) જીવન પણ એવું જેમાં સ્વાભાવિક ભર્યાભાદર્યા ચડતીપડતીના વારાફેરા તો જાણે જળવાઈ જ રહે, પણ એની સાથેસાથે જીવનને એટલી જ સ્પષ્ટતાથી એક શૂન્ય, એક સ્વપ્ન કે એક ઝાંખા ઓળા તરીકે ઓળખી શકાતું હોય. મેં જો બરાબર એવી જ ઇચ્છા સેવી હોય તો કદાચ એને સુન્દર કહેવી પડે. કેવી હતી એ ઇચ્છા? હું કંઈક આવી જાતની ઇચ્છા સેવતો હતો: માણસ કષ્ટપૂર્વક અને પદ્ધતિસરની શાસ્ત્રીય કુશળતાપૂર્વક હથોડીઓ ઠોકીને મેજ ઘડતો હોય, અને તે જ વખતે કશું જ ન કરતો હોય, ને તેય એવી રીતે નહીં કે લોક એમ કહી શકે: ‘હથોડીઓ ઠોકીને મેજ ઘડવું એ એને મન કંઈ નથી,’ ઊલટાં લોક એમ કહે કે ‘એને મન મેજ ઘડવું એ ખરેખર જ મેજ ઘડવા બરાબર છે, પણ સાથે જ કાંઈ નથી,’ ને એની આવી રીતથી નક્કી હથોડીની ચોટ હજી વધુ ચોક્કસ, વધુ જોરદાર ને વાસ્તવિક જ વધુ બની હશે અને છતાં, તમે જો માનો તો, હજી વધુ અર્થહીન થઈ હશે. – કાફકા


માલિક 4.ઘોડો માલિકના હાથમાંથી ચાબુક ઝૂંટવી લઈને પોતે જ પોતાની પીઠે ફટકારે છે, જેથી એ માલિક બની જાય. અને એને ખબર નથી કે આ ઘટના પણ માલિકે ચાબુકની દોરીમાં એક નવી ગાંઠ ઉમેરી તેના દરદથી ઊપજેલું દિવાસ્વપ્ન જ હતું. – કાફકા


સમસ્યા 5.એક પિંજરું એક પંખીની શોધમાં નીકળ્યું. તું જ સમસ્યા છે. એનો જાણકાર મલકમાં કે ખલકમાં શોધ્યો જડે તેમ નથી. – કાફકા


પ્રેમ ને સંસાર 6.જે દુનિયા તજે છે તેણે સર્વ મનુષ્યોને પ્રેમ કર્યે છૂટકો, કારણ એ તેમની દુનિયાને પણ તજે છે. તે જ ક્ષણથી માનવજાતિનો સાચો સ્વભાવ એના અન્તરમાં ઊકલવા માંડે છે, ને એ સ્વભાવ પર પ્રેમ ઊપજ્યા વિના રહી જ ન શકે, જો માણસમાં પ્રેમની ગુંજાશ હોય તો…. તમે જો તમારા પાડોશી પર આ સંસારની અંદર જ પ્રેમ કરો તો તેમાં તમે આ સંસારની અંદર જ તમારી જાત પર પ્રેમ કરો છો તેનાથી જરાયે વત્તો કે ઓછો અન્યાય નથી કરતા. જે એક જ સવાલ રહે છે તે એ છે કે આ સંસારની અંદર પાડોશીને પ્રેમ કરવો શક્ય છે શું?…

કેવળ આધ્યાત્મિક જગત જ હસ્તી ધરાવે છે એ હકીકત આપણી ગાંઠડીમાંથી આશા લૂંટી લે છે અને નિશ્ચિતતા બંધાવે છે….

પ્રેમ અંશ 7.અપવિત્ર પ્રેમ પવિત્ર પ્રેમ કરતાં વધુ ઊર્ધ્વ ભાસી શકે; એ જાતે તો આવો ભાસ ન પ્રકટાવી શકે, પણ એને પોતાનેય ખબર નથી તેવું પવિત્ર પ્રેમનું એક તત્ત્વ એ ધરાવે છે, તેથી આવી માયા રચી શકે છે. – કાફકા


શ્રદ્ધાનું શરીર 8.‘કોઈ પણ એમ ન કહી શકે કે અમારામાં શ્રદ્ધા નથી. આપણે જાણીએ છીએ તે હકીકત જ શ્રદ્ધાના પુરાવાઓની અખૂટ ખાણ છે.’ ‘તમે એને શ્રદ્ધાનો પુરાવો કહો છો? પણ ન જીવવું એ જો માણસથી બને જ નહીં તો?’

‘એ ‘બને જ નહીં’માં શ્રદ્ધાની ગાંડી તાકાત પડેલી છે; એ નકાર એ જ શ્રદ્ધાનું શરીર છે.’

– કાફકા


કસોટી તમારી જાતને માનવતા પર કસો. તેનાથી સંશયી સંશય સેવતો થાય છે, શ્રદ્ધાળુ શ્રદ્ધા.

– કાફકા