કમલ વોરાનાં કાવ્યો/10 વૃદ્ધ થવું-ન થવું

વૃદ્ધ થવું-ન થવું

વૃદ્ધ થવું-ન થવું
એ હાથની વાત નથી
એવું સમજાઈ જાય ત્યાં સુધીમાં તો
વૃદ્ધત્વ
શરીરમાં ઘર કરી જાય
ને ઘર એટલે વળી ઘર
નિરાંત... મોકળાશ
પોતાપણું અને
કાયમી વાસો
વૃદ્ધો
પહેલાં તો ઘરફોડુને તગેડી મૂકવા મથે
એમ લાગે શરીરમાં એકીસાથે બબ્બે જણા રહે છે
સતત શંકાની નજરે જોયા કરે
પણ છેવટે પડ્યું-પાનું નભાવી લેવાનું
સમાધાન કરી લઈ
ધીમે ધીમે
ઘડપણમાં પૂરેપૂરા સમાઈ જાય
હવે
વૃદ્ધો પાકેપાકા વૃદ્ધો
કોઈક ડાળ પર પીળું પડી ગયેલું પાંદડું ચીંધતાં
કે આથમતો સૂરજ દેખાડતાં
કહેતા ફરે
વૃદ્ધ થવું-ન થવું
એ કંઈ હાથની વાત નથી