કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/ર૪. સત્યના (ગીત) પ્રયોગો

સત્યના (ગીત) પ્રયોગો


સાચને તું સાચ કહે એમાં શું સાચેસાચ સાચને તું ચાખીને જો.
તારી સાતે પેઢીનું જોર દાખીને જો.

જીભેથી ચાખવું ને જીભેથી બોલવું
તેમ છતાં બંનેમાં ભેદ
બંનેની સાવ નૉખી રીત ને રિવાજ
સાવ નૉખા ધરમ નૉખા વેદ

બંનેનાં પલડાંમાં સામસામે શબ્દો ને સ્વાદ બેઉં રાખીને જો
સાચને તું સાચ કહે એમાં શું, સાચેસાચ સાચને તું ચાખીને જો.

આંખોમાં સપનાંઓ સાચવવાં એ જ
બેઉં આંખોથી આંસુની ધાર
બંનેનું ઠામ ને ઠેકાણું છે એક
પણ બંનેના નૉખા વહેવાર

બંનેને ડુંગરની ટોચેથી ગબડાવી દરિયામાં નાખીને જો.
સાચને તું સાચ કહે એમાં શું સાચેસાચ સાચને તું ચાખીને જો.


સાચને તું વાંચવાંચ કરવાનું છોડી દે સાચને તું મનમાં વિચારીને જો.
તારી સાતે પેઢીનો ભાર ઉતારીને જો.

સાચ નથી ‘સત્યના પ્રયોગો’નું પુસ્તક
કે વાંચીને થાય રાજી રાજી
સાચ જે છે તે છે આપણા જ હાથમાં
પુસ્તક પછીની ગંધ તાજી

તાજી હવાથી તારાં ફેફસાં ભરાય એવી ઇચ્છાને એક વાર ધારીને જો
સાચને તું વાંચ વાંચ કરવાનું છોડી દે સાચને તું મનમાં વિચારીને જો.

સાચાં તે પંડ છે કે પડછાયા છે
કે છે સાચી જમીન સાચું પાણી
કોઈનેય ક્યાં પૂરું સમજાયું છે
કે કેમ અધવચ્ચે અટકી ગઈ વાણી

વાણીના વાણોતર હંકારે વહાણ એની પાછળ તું હળને હંકારીને જો
સાચને તું વાંચ વાંચ કરવાનું છોડી દે સાચને તું મનમાં વિચારીને જો.


શું સાચું શું ખોટું એનું ચાલે તરકટ મોટું

મીઠાં જળનાં સ્રોવર ભરિયાં ખારા જળની આંખ
આંખ વચોવચ સપનાંઓ પણ સાચવવાનાં લાખ

લાખ-લાખના મહેલ રચાવી લાખ વરસથી ઘોંટું
શું સાચું શું ખોટું એનું ચાલે તરકટ મોટું.

દરિયા વચ્ચે છીપ અને છે છીપ વચાળે મોતી
મોતી પાછું આંખ વચાળે જેણે લીધું ગોતી

એણે દૂર ફગાવી દીધું દરિયામાં પરપોટું
શું સાચું શું ખોટું એનું ચાલે તરકટ મોટું.


આ સાચું તે સાચું એમાં અરધું કપાય કાચું.

નાની તો છે ચણોઠડી ને મોટાં તો ચણીબોર
ચણીબોરને ઠળિયે ઊગ્યા મનવગડામાં થોર

બધે ચણોઠી દડી તે રાતા કાળા અક્ષર વાંચું
આ સાચું તે સાચું એમાં અરધું કપાય કાચું.

ઝીણાં કે’તા તલ અને કે તીણી તો તલવાર
તલ અને તલવાર બેઉના તેજીલા વહેવાર

તોળું તલ તલભાર અને તલવાર ધાર પર નાચું
આ સાચું તે સાચું એમાં અરધું કપાય કાચું.