કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/ર૬ ઝાડનાં ગીત

ઝાડનાં ગીત


પોતાના પડછાયે તકલાદી પોત
ગજવેલી અંધારાંય આનાથી ઓછા તકવાદી હોત

હોત ધોમતડકામાં સમળીના ગોળ
ગોળ ચક્કર ચક્કર વમળાતાં
ઊભેલાં ઝાડ બધાં પરસેવે નીતરતાં
નીતરતાં ખાલીખમ થાતાં

થાતાં સાવ ખાલીખમ ઠેઠ મૂળસોંત

મૂળસોંતાં ઊખડેલાં જંગલનાં જંગલ
ક્યાંય વંટોળે વિંઝાતાં જાય
રણનાં તોફાન રેતડમરીએ ઊછળતાં
આભ લગી ફંગોળા ખાય

એક ફંગોળે ચાંદો ને સૂરજ પણ ખોત
પોતપોતાને પડછાયે તકલાદી પોત


...આને તે કોઈ કહે ઝાડ ?
મૂળ વાટે પીધેલાં પાણી થઈ પરસેવા નીતરતા જાય હાડોહાડ,

તડકામાં ઊભું તો એવું ઊભું
કે પીળું પડી ગ્યું ગરમાળા જેમ
સોનાને કાચ મઢ્યાં હાંડી ઝુમ્મર
પછી ખડખડતાં ઉનાળે એમ

ખખડાટે ઊકલતી આખી બપોર ખાલી પંખીની ચાંચનો ઉઘાડ.
આને તે કોઈ કહે ઝાડ ?

સાંજે સૂરજ એના તાંબાનો ઢોળ
પાઈ રંગી દે ગુલમ્હોરી લાલ
ચાંદાને ચોક ઠેઠ વડલાને હેઠ
મડું સસલાનું બાંધ્યું ગઈ કાલ

વચ્ચે વેરાઈ જાય મધરાતે રાઈ રાઈ કાળાડિબાણ કાળા પ્હાડ .
આને આને તે કોઈ કહે ઝાડ ?