કાંચનજંઘા/જલ અને અંધકાર


જલ અને અંધકાર

ભોળાભાઈ પટેલ

ઘણી વાર જ્યારે વરસાદ પડે છે, ત્યારે એ પડ્યા કરે છે. પહેલાં થાય કે હવે રહી જાય તો સારું. પણ પછી એ થંભે નહીં ત્યારે થાય કે તો ભલે હવે બસ પડ્યા જ કરે… પડ્યા જ કરે, છો ને તળાવો છલકાય, છોને નદીઓમાં પ્રચંડ પૂર આવે. પાણી ભયજનક સપાટી ઉપર થઈ છો ને વહેવા માંડે, બસ હવે હાહાકાર…

ઊંડે ઊંડે એક પૈશાચિક આનંદ લેવાની આ અગોચર રહેલી વૃત્તિ હશે કે કોઈ અજ્ઞાત ભયનો રોમાંચ અનુભવવાની ઝંખના? આવું જ થાય છે, જ્યારે એકાએક વીજળી બંધ થઈ જાય છે અને અંધકાર વ્યાપી વળે છે. થાય છે ભલે અંધકાર રહે.

હમણાં એવું થયું. અમદાવાદમાં આમેય બહુ વરસાદ પડતો નથી. લગાતાર તો ભાગ્યે જ પડે. આ વર્ષે બહુ રાહ જોવડાવ્યા પછી જ્યારે એણે વરસવાનું શરૂ કર્યું ત્યારે થયું કે હવે ભલે વરસે, અને એ વરસ્યો. પરંતુ એનું પાણી નદીમાં જઈને ન ઠલવાયું. વહી જવાને બદલે એણે ઘેરાવ કરવા માંડ્યો. રસ્તા પર જઈ તે જાણે પાછું વળ્યું. એની સપાટી વધતી ચાલી… અજ્ઞાત ભયનો રોમાંચ. પ્રથમ સમાગમ વખતે કોઈ કુમારિકાના ચિત્તમાં ફરફરી ઊઠતો ભયાક્રાંત રોમાંચ!

હું ભયાક્રાંત થવા માગું છું. પણ ક્યાં? વરસાદ થંભી ગયો. થંભી ગયું ઉપર ચઢતું પાણી, અજગરની જેમ માત્ર ભરડો લઈને પડી રહ્યું. ચારેબાજુ એની સાથે જાણે આ વિસ્તારનું નગર પણ અટકી ગયું. પાણીનો ભય હવે નહોતો. પરંતુ જેને બહાર નીકળવું હોય તેણે પાણી વચ્ચેથી જ માર્ગ કાઢવો રહ્યો. ડામરની સડક પર નહીં, પાણીની સડકમાં ચાલવાનું હતું. નાનાંમોટાં વાહનો તો પાણીમાં કાયા ડુબાડી આનંદ લેતાં જાનવરો જેવાં પડ્યાં હતાં.

અને આમ તો પાણીથી કેટલા બધા ટેવાયેલા છીએ. પણ આ તો દૂર દૂર વિસ્તરેલાં છુટ્ટાં મટોડિયાં પાણી. જે પીએ છીએ, જેનાથી સ્નાન કરીએ છીએ તે નળમાં આવતું આ પાણી નથી. આદિ જળનું સગોત્ર છે આ જળ. એનો સ્પર્શ આદિમતાનો સ્પર્શ છે. ક્યારેક માણસ આદિમ હતો. આરણ્યક હતો. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ સાથે તેનો ગાઢ અને મોઢામોઢનો સંબંધ હતો. ત્યારે જળથી બીવા છતાં જળ સાથે અંતરંગતા હતી.

સંસ્કૃત બન્યા પછી, ગ્રામનગરવાસી બન્યા પછી આવી વેળાએ જળ સાથે મોઢામોઢ થઈએ છીએ. આપણી અંદર ક્યાંક પડી રહેલો પેલો આદિમ પુરાણા સંબંધોને યાદ કરવા મથે છે.

અને કપડાં ઊંચાં કરી તે પાણીમાં ચાલવા માંડે છે. જળની સડક કપડાં ઊંચાં લઈ ચાલતા નગરવાસીઓથી રમ્ય લાગે છે. નાનાં છોકરાઓને તો કપડાંની ચિંતા નથી. પણ મોટેરાં? લઈ લઈને કેટલે સુધી ઊંચાં કપડાં લેવાં? પેલા બે સુંદર ઢીંચણ જોયા? એક જર્મન કવિએ જળ પર આવતી વિનસના ઢીંચણને અમસ્તી જ ચંદ્રની ઉપમા આપી લાગતી નથી! અપ્સરા (પાણીમાં સરનાર) શબ્દ પુરાણોના પાના ઉપરથી આ સડક પર આવી જાય છે.

મારી આગળ બે રાયકા પાણી ડહોળાતાં જાય છે. એમણે ધોતિયાં પહેરેલાં છે એટલે એમને સરળતા છે. પાણી સાથળ સુધી પહોંચવા થયું કે એક રાયકો બોલ્યા – ‘લાગે છે કે સાલુ હવે જળપોતડી પહેરવી પડશે.’ મારા કાન ચમક્યા. એક હાથે કપડાં ઊંચાં રાખવા મથતાં મેં પૂછ્યું, ‘શું કહ્યું દેહઈ, શું પહેરવું પડશે?’ કહે – ‘જળપોતડી. વળી આ પાણી કેડ સુધી આવવાં થયાં, એટલે આ પોતડી ખભે નાખવાની અને પાણીની પોતડી પહેરી લેવાની.’

‘જળપોતડી’ મારી આંખોમાં આદિમ કૌતુક પ્રકટ્યું એની સાથે જંગલ અને આદિ જળ પણ. પાંજરામાં પુરાયેલા કવિ રિલ્કેના ચિત્તાની – અરણ્યની ક્ષણાર્ધમાં છવિ ઝીલતી ઊંચકાઈને બંધ થતી પાંપણોવાળી – આંખની જેમ. પછી હતું તેનું તે થયું. નગરવાસી આપણે સૌ પેલા ચિત્તાની જેમ આરણ્યક હતા અને આપણે પણ સભ્યતા- સંસ્કૃતિના પાંજરામાં જાતે પુરાઈને પ્રકૃતિની નિબિડતા ભૂલી ગયા છીએ. આવા વરસાદમાં, આવાં જળ ડહોળતાં ક્યારેક ક્ષણાર્ધ પેલી ચેતના ડોકાઈ જાય, પણ પછી એના એ રામ!

વરસાદને કારણે વીજળીના કેબલમાં કંઈક ખામી ઊભી થઈ છે અને બે દિવસથી આ વિસ્તારમાં, આકાશમાં ક્યારેક ઝબકી જાય તે સિવાય વીજળી નથી. બાકી હવે આ મહાનગરના લોકો રાત્રીનો સઘન અનુભવ ભૂલી ગયા છે, કેમ કે રાત્રીને વીજળી વડે દિવસમાં પલટાવી દીધી છે.

પણ બે દિવસથી રાત પડે છે. શુદ્ધ અંધકાર આ વિસ્તારમાં ઊતરી આવે છે. આ પેલો સૂચિભેદ્ય અંધકાર છે. સોયથી વીંધી શકાય એવો ઘટ્ટ. એ પણ જળની જેમ લપેટાય છે, માતાના ગર્ભમાં જેમ લપેટાયો હતો તેમ.

અંધકારની બીક લાગતી હોય છે અજ્ઞાત, એટલે તો અંધકાર અને ભય ક્યારેક પર્યાયવાચી બની જાય છે. અંધકારની સાથે ચોરલૂટારાની કે પછી પ્રેતસૃષ્ટિની વાતો જોડાયેલી હોય છે. અંધકારની સાથે ઘુવડની અશુભની સૃષ્ટિ સંકળાયેલી છે.

અંધકારને એટલે ક્યારેક અવિદ્યાનું પ્રતીક માનીએ છીએ. ક્યારેક મૃત્યુનું. એટલે પ્રાર્થના કરી બેસીએ છીએ કે ‘તમસો મા જ્યોતિર્ગમય.’ અંધકારનો ભય પામીને આપણે તેનાથી ભાગીએ છીએ કે પછી અંધકારને ભગાડી મૂકીએ છીએ.

એટલે નગરમાં અંધારું બિચારું સંતાતું ફરે છે. ક્વચિત્ કોઈ ચોરની જેમ. હા, ક્વચિત્ કોઈ પ્રેમીની જેમ. આ અંધારાને હું રંધ્રેરંધ્રમાં અનુભવવા ઇચ્છું છું. એની આદિમતાને પામવાનો અવસર આમ ક્યારે મળવાનો હતો? પેલો ભયાવૃત્ત રોમાંચ આજે અકસ્માતે જાગી ઊઠ્યો છે. વળી રિલ્કેના ચિત્તાની જેમ ક્ષણ માટે અંધકારનું અરણ્ય આંખોમાં ઝૂમી રહે છે. અને પાછી પાંપણ પડી જાય છે… હું અકળાઉં છું.

આ અંધકારમાં સતત આવતા તમરાના સ્વરમાં કામાર્ત દેડકાંના સ્વર ભળી ગયા છે. મારી બારીથી અનતિદૂર આવેલાં લીમડાનાં વૃક્ષો વચ્ચેથી પવનની સાથે અંધકાર સરસરાટ કરતો પસાર થાય છે. એનો પદચાપ સાંભળું છું.

અંધકાર-પ્રકાશથી અલિપ્ત આ અંધકાર છે. બાઇબલના આરંભમાં સર્જનની વાત આવે છે. ઈશ્વરે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું. તે પછી શરૂમાં તો આ પૃથ્વી અસ્તવ્યસ્ત અને શૂન્ય હતી. અથાગ જલ પર આ અંધકાર છવાયેલો હતો. આજે પણ આ મહાનગરના આ પ્રાન્ત ચારેબાજુ આવૃત જલ પર અંધકાર પથરાયો છે. હવે મને ભય છે કે ક્યાંક કોઈ ઈશ્વર આવીને કહે નહીં કે ‘પ્રકાશ પ્રગટો.’

૨૯-૭-૮૧
અમદાવાદ