કાંચનજંઘા/રામૈયા રામ

રામૈયા રામ

ભોળાભાઈ પટેલ

મેળે જવું અને મેળો જોવા જવું, એ બે વચ્ચેનો ફેર રમત રમવી અને રમત જોવી, એ બે ક્રિયાઓ વચ્ચેના ફેર જેવો છે. તેમ છતાં રમત જોવાનો પણ જેમ એક આનંદ છે, તેમ મેળો જોવા જવાનો પણ આનંદ હોય છે. મારા ગામથી બેએક માઈલ દૂર વગડા વચ્ચે મહાદેવનું એક પ્રાચીન મંદિર છે. ત્યાં દર જન્માષ્ટમીએ મેળો ભરાય છે. નાનપણમાં અમે દરેક વર્ષે એ મેળે જતાં. હવે શહેરમાં વસ્યા પછી ક્યારેક મેળો જોવા ત્યાં જાઉં છું.

થોડાંક વર્ષો પૂર્વે આપણા પ્રસિદ્ધ ભાષાતત્ત્વવિદ ડૉ. હરિવલ્લભ ભાયાણીને ઉત્તર ગુજરાતની બોલીનો પ્રત્યક્ષ (કહેવું જોઈએ પ્રતિકર્ણ-કર્ણ) અનુભવ લેવાની ઇચ્છા થઈ. મેળામાં આખા પંથકના લોકો ભેગા મળે એટલે બાર ગાઉ બહારની બોલીઓ પણ આવી જાય. રઘુવીર અને યોગેન્દ્ર વ્યાસ પણ સાથે હતા. ટ્રકમાં અમે એક નહીં, એ દિવસે ત્રણ ત્રણ મેળા જોયા. પણ મેળો માણનારાં જુદાં હતાં અને અમે મેળો જોનારા જુદા હતા. અમારો ‘મેળો’ જામ્યો નહીં.

હમણાં થોડા દિવસ પહેલાં તરણેતરનો મેળો જોવા અમે ગયા. આ વખતે ટ્રકને બદલે મેટાડોરમાં નીકળ્યા. બાર જેટલા સભ્યો – એટલે નીકળ્યા ત્યારથી મેળો. આ વખતના સભ્યોમાં હતા શ્રી ઈશ્વર પેટલીકર, રઘુવીર, ચંદ્રકાન્ત, માધવ, સપરિવાર ભગતભાઈ, ધીરુભાઈ અને દિલીપભાઈ.

તરણેતરના મેળા વિશે છેલ્લાં કેટલાંક વર્ષોથી સાંભળતા આવ્યા હતા. આ વર્ષે તો ગુજરાત પ્રવાસન નિગમે તેની ખૂબ જાહેરાતો કરી હતી. તેને વિશે ઘણા સચિત્ર લેખો સાપ્તાહિકો અને અખબારોને પાને ચમક્યા. વયપ્રાપ્ત હોવા છતાં આ મેળા વિશે અમારામાં એક શિશુસહજ વિસ્મયભાવ હતો. અમે કુતૂહલી હતા.

અમદાવાદથી રાજકોટ જવાને માર્ગે ચોટીલાથી માર્ગ ફંટાય છે. આ બધો પથ્થરિયો વિસ્તાર છે. પણ શ્રાવણ હજી હમણાં ગયો હોવાથી લીલોછમ લાગતો હતો. ઠેર ઠેર નાનાં-મોટાં જળાશયો અને ક્ષીણતોયા સૌરાષ્ટ્રી નદીઓ દેખાઈ જતી. પણ સૌથી વધારે નજરે પડતાં તે તો તરણેતર તરફ જઈ રહેલાં માણસોથી ભરેલાં ટ્રક, ટેમ્પા, ટૅક્સીઓ, મોટરગાડીઓ, રિક્ષાઓ, લક્ઝરી પ્રવાસી બસો. દૂર દૂરથી બધાં વાહનો આવતાં લાગ્યાં, તે એટલે સુધી કે છેક મારે ગામથી અમારા જેવા મેટાડોર કરીને નીકળેલા મારા બાળપણના સાથીઓને પણ ‘મેળો’ થઈ ગયો. આ એ જ સાથીઓ હતા, જે અમે બધા મળી વાસુદેવને મેળે જતા!

ક્યાંય બળદગાડું દેખાય નહીં. આ યાંત્રિક વાહનોવાળા અમે સૌ તો મેળો જોવા જનારા હતા. મેળે જનારા તો કોઈ દેખાતા નહોતા. જેને બહુ બધી જાહેરાતો થયેલી તે કાઠિયાવાડનાં વિશિષ્ટ ભરત ભરેલાં રંગબેરંગી વસ્ત્રોવાળાં નરનારીઓ તો ક્યાંય દેખાય જ નહીં. થાનગઢ વટાવી તરણેતરની સીમમાં પ્રવેશ્યા તો માણસો તો માય નહીં.

અને છતાં સૌને થતું હતું કે જે મેળો જોવા આવ્યા છીએ તે ક્યાં છે? ક્યાં તો અમારાં વિસ્મય અને કુતૂહલ અને ક્યાં આ બેતરતીબ ભીડ! આવી ભીડનો અનુભવ તો માણેકચોકમાં કે સિનેમા છૂટે ત્યારે પહોળા આશ્રમ માર્ગ પર રોજરોજનો.

અહીં રાતોરાત ઊભી થયેલી દુકાનો હતી. ચકડોળનાં પેલાં રાક્ષસીચક્રો હતાં. પ્રવાસન વિભાગે ખાસ ઊભા કરેલા તંબુઓની રાવટીઓ હતી. કૅમેરા, મુવી કૅમેરા લઈને લોકો અને સરકારી લોકો ઊતરી પડ્યા હતા. ‘ઇસ્કેચ’ બુકો લઈને પ્રેક્ષણીય તરુણ કલાકારો ઊતરી પડ્યા હતા. પોલીસનો કાફલો વ્યવસ્થામાં લાગ્યો હતો. સ્થાનિક, તાલુકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓના મંડપો ભરાયા હતા.

બધું હતું, પણ મેળો ક્યાં?

અમે ભીડમાં ઘૂસ્યા. તરણેતર મહાદેવનાં દર્શન તો કરી લઈએ. આ તરણેતર એટલે કોઈએ કહ્યું – ત્રિનેત્રેશ્વર. આ વિસ્તાર તે પુરાણોનો પાંચાલ વિસ્તાર. કહે છે કે અર્જુને મત્સ્યવેધ કરીને આ સ્થળેથી પાંચાલીને જીતી હતી. આ પાંડવો ક્યાં ક્યાં નથી ગયા? ક્યાંક કોઈ પહાડમાં આશ્રય લેવાય એવી બખોલ હોય તો તે હોય પાંડવોની ગુફા. આબુમાં પણ હોય અને તારંગાની ટેકરી પર પણ હોય. પાંડવોના પાંચ રથ છેક મદ્રાસની નજીક આવેલા મહાબલિપુરમમાં જોયા હતા. માંડ હલાવી પણ શકાય તેવી લોખંડની એક ગિલ્લી – ‘ભીમની મોઈ’ અચલગઢમાં જોઈ હતી. ધોળકાને તો વિરાટનગર કહે છે અને ભીમે કીચકનો વધ કર્યો હતો તે, બૃહન્નલાની નાચ-ગાનની પેલી શાળાનું સ્થળ પણ ત્યાં બતાવાય છે.

પાંડવોની આ એક વાતે અદેખાઈ આવે છે. દેશનો એકએક ખૂણો તેઓ ખૂંદી વળ્યા હતા. નગરમાં રહેવાનું તેમને ઝાઝું થયું જ નથી. આવું ભમવાનું ક્યાં મળે છે?

મહાદેવવાળી જગ્યા બહુ સારી હતી. વિશાળ લંબચોરસ પ્રાંગણની ત્રણ બાજુ પાણીથી છલકાતો ઊંડો કુંડ હતો. આ કુંડમાં ઋષિપંચમીને દિવસે ગંગા પ્રકટે છે. ભાવિકો ગંગાસ્નાનનું પુણ્ય લઈ રહ્યા હતા. કોઈ મને પૂછે કે ભારતવાસીમાં ભારતીય શું? તો એક જવાબ તો સૂઝે કે કુંડસ્નાન કે નદીસ્નાન.

મહાદેવનાં દર્શન કરી ભીડમાં ઠેલાતા અમે ઉગમણે દરવાજે આવ્યા. અહીં પણ કુંડસ્નાનનું દશ્ય. લોકો જોતા ઊભા હતા. આ પંથકની ચૌદ-પંદર વર્ષની કિશોરીઓ પાણીમાં તરી રહી હતી. તેમની નાતિપરિસ્ફુટ છાતી પર કોઈ વસ્ત્ર નહીં. એમને તો એનો સંકોચ નહિ, પણ જોનાર કુંઠિત થઈ જતા હતા.

ઉગમણે દરવાજેથી બહાર નીકળ્યા. અહીં ભીડ હતી, પણ ફેલાયેલી. રઘુવીર અને ચંદ્રકાન્ત તો પેલા રાક્ષસીચક્રમાં બેસી ચકડોળની મઝા લઈ આવ્યા. હવે પેલાં રંગબેરંગી વસ્ત્રોવાળાં સ્ત્રીપુરુષો દેખાતાં હતાં. પછી તો સાંજ પડી, રાત પડી. રાત પડ્યા પછી મેળાના અસલ સ્વરૂપની ઝાંકી થવા લાગી.

હવે આજુબાજુનાં ખુલ્લાં ખેતરોમાં ગાડાં દેખાવા લાગ્યાં. તંબુઓમાં ભજનમંડળીઓની રાવટીઓ જામતી ગઈ. આવી એક રાવટીમાં અમે જમાવ્યું. એકતારો, મંજીરાં અને તબલાં સાથે પરંપરાગત રીતિનાં ભજનો લગાતાર ચાલતાં રહ્યાં. જેની આંખોમાં ઊંઘ ભરાય તે ત્યાં ને ત્યાં આડો પડી ઊંઘી જાય. હજારો નરનારીઓને આવાં તંબુઓ નીચે અને ક્યાંક ઝાડ તળે સૂતાં જોયાં.

કહે છે થોડાં વર્ષો પહેલાં આ મેળામાં મેળો જોનાર કોઈ આવતું નહોતું. જે કોઈ આવતું તે મેળે આવતું. માધવે કહ્યું – ભારે મોટી પ્રસિદ્ધિ આપીને મેળાની આ અવદશા કરનાર આપણા એક ઉત્તમ કલાકાર શ્રી જ્યોતિ ભટ્ટ છે. તેમણે થોડાં વર્ષો પહેલાં આ મેળે આવીને અહીંની લાક્ષણિક તસવીરો સાથે એક લેખ કરેલો અને આ મેળાની નિર્દોષતા હણવાનું પાતક કરેલું!

બીજે દિવસે મેળો જામતો લાગ્યો. ભીડ વધી ગઈ હતી. લાઉડ સ્પીકરના અવાજો ઘોંઘાટ બની રહ્યા હતા. લોક-સાંસ્કૃતિક પર્યાવરણને આથી વધારે દૂષિત કદાચ નહીં કરી શકાતું હોય. મેળે આવનાર સૌ આવી ગયાં હતાં. તેમના પર કૅમેરા મંડાતા હતા. કલાકાર તરુણ- તરુણીઓની ‘ઈસ્કેચ બુકો’ ભરાવા લાગી હતી. મેળે આવનાર યુવાનો અને યુવતીઓ પોતાના રાસડામાં મસ્ત હતાં.

શ્રી પેટલીકરે કહ્યું – ‘એ ક્યાં ‘મેળો’ જોવા આવ્યાં છે?’

ખરી વાત હતી. ઠેર ઠેર તળભૂમિનાં રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ યુવાન-યુવતીઓનાં ઢોલના તાલ સાથેનાં નૃત્ય જામ્યાં હતાં. એ લોકો મેળો જોનારાઓની ભીડથી ખસીને દૂર રાસડા લેતાં હતાં. મેળો જોવા આવનારાઓએ ખરેખરા મેળે આવનારાઓને હડસેલી દીધાં હતાં. ‘આર્યો’એ જેમ તળ આદિમ જાતિઓને જંગલમાં હડસેલી દીધી હતી!

પરંતુ મેળે આવનારાઓને પડી નહોતી. તેઓ તો મત્ત હતાં, ગુલતાનમાં હતાં. ઢોલના અવાજો તેમના પગમાં તો અજબ થિરકન લાવી દેતા, પણ આપણાય પગને લયના ધબકારા અનુભવ કરાવતા. એક રાસડા પછી બીજો રાસડો શરૂ થતો જ હોય. આજે પણ પંક્તિઓ ગુંજે છેઃ

રામ-લખમણ બે બંધવડા રામૈયા રામ
બેઉ ભાઈ ચાલ્યા વનવાસ રે રામૈયા રામ
રામને તો તરસ્ય લાગિયું રામૈયા રામ
ભાઈ વીરા પાણીડાં લાવ રે રામૈયા રામ..
વનવગડામાં એક તળાવડી રામૈયા રામ….

‘રામૈયા રામ…’ આ શબ્દો આપણી સંસ્કૃતિમાં આપણા જનજીવનના સ્તરેસ્તરમાં કેવા તો પ્રવેશી ગયા છે! ગાન ગવાતું રહ્યું, ઝિલાતું રહ્યું અને સ્પંદનો પર સ્પંદનો જગાવતું ગયું.

‘રામૈયા રામ…’

માધવ આ તરફના છે. તેઓ સમજાવતા હતા. નૃત્યનો આ પ્રકાર તે ‘ટીંટોડો.’ આ પ્રકાર તે ‘હુડો.’ આ પ્રકાર તે ‘ગરબી.’ કાલે રાતે મેળાની અસલ ઝાંખી ભજનમંડળીઓમાં થઈ હતી. આજે આ નાચતાં-ગાતાં યુવાન-યુવતીઓના ઉલ્લાસમાં.

પરંતુ રહી રહીને વિષાદ જાગે છે. આપણી લોકસંસ્કૃતિના જીવંત પ્રતીકરૂપ આ મેળા પર ‘સભ્યસંસ્કૃતિ’નું જે આક્રમણ છે, તે થોડા જ વખતમાં મેળાના અસલ રૂપને ગ્રસી જશે. પછી માત્ર આપણા જેવા મેળો જોવા આવનારાઓની જ ભીડ હશે. મેળે આવનાર કોઈ નહીં હોય. એ લોકો પણ આપણા વર્ગમાં આવી જશે.

પાછા ફર્યા ત્યારે પેલું વિસ્મય કે કુતૂહલ રહ્યાં નહોતાં. હા, થોડો અવસાદ સાથે લાવ્યા છીએ. સ્મૃતિમાં અંકિત છે. પેલી મત્સ્ય- કન્યાઓ જેમ જળમાં તરતી કિશોરીઓ અને ઢોલના લય સાથે થિરકતી લોચભરી એડીઓ.

— અને આ પંક્તિઓ

રામ-લખમણ બે બંધવડા રામૈયા રામ!
બેઉ ભાઈ ચાલ્યા વનવાસ રે રામૈયા રામ

અમદાવાદ
૧૬-૯-૮૧