કાફકા/નિવેદન


નિવેદન

દાયકાઓ પહેલાં મુંબઈની ફુટપાથ પરથી સુરેશ જોષીને ચાર આનામાં એટલે કે આજના પચીસ પૈસામાં ‘ધ ગ્રેટ વોલ ઓવ્ ચાઇના’ મળી ગયું. ફ્રાન્ઝ કાફકાનું નામ ત્યારે સુરેશ જોષીને અજાણ્યું હતું. આ વાર્તાના વાચને અત્યાર સુધી જે કંઈ આત્મસાત્ થયું હતું તેની સામે પ્રશ્નો થવા માંડ્યા. સુરક્ષિત એવી વાસ્તવિકતાના ફુરચેફુરચા ઊડી ગયા. ફ્રાન્ઝ કાફકા વાસ્તવ અને કપોલકલ્પિતની જે સન્નિધિ રચે છે એમાંથી પ્રગટતા ભયાનકનો સ્વાદ હજુ સુધી ચાખવા મળ્યો ન હતો. ત્યારથી ફ્રાન્ઝ કાફકા સુરેશને પડકારતા રહ્યા હતા. 1960 પછીનાં વર્ષોમાં તેમણે ગુજરાતને આ જર્મન યહૂદી સર્જકનો પરિચય કરાવ્યો. પછી તો જ્યારે જયારે તક મળી ત્યારે ત્યારે તેમના વિશે લખતા જ રહ્યા. એક બાજુ રવીન્દ્રનાથ અને બીજી બાજુ ફ્રાન્ઝ કાફકા કે દોસ્તોએવ્સ્કી : સાવ વિરુદ્ધ પ્રકારની સર્જનાત્મકતાનો સંશ્લેષ ભાવકની ચેતનામાં કરાવવાનો પડકાર પણ અહીં છે. શિરીષ પંચાલ
14-01-2012