કાફકા/4


ભાઈચારો

અમે પાંચ મિત્રો છીએ. એક દિવસ અમે એક ઘરમાંથી એક પછી એક બહાર આવ્યા. પહેલાં એક આવ્યો અને એ દરવાજા પાસે જઈને ઊભો રહી ગયો, પછી બીજો આવ્યો અને પહેલાની બાજુમાં જઈને ઊભો, પછી ત્રીજો આવ્યો, ચોથો આવ્યો અને પાંચમો આવ્યો. છેવટે અમે બધા એક હારમાં ઊભા રહી ગયા. અમે લોકોની નજરે ચઢવા લાગ્યા, એ લોકો અમને આંગળી ચીંધીને કહેવા લાગ્યા : પેલા પાંચ હમણાં જ પેલા ઘરમાંથી બહાર આવ્યા. ત્યારથી અમે બધા સાથે રહીએ છીએ; આમ તો અમારું જીવન શાન્તિમય જ બની રહ્યું હોત, પણ એક છઠ્ઠો હંમેશાં દખલગીરી કર્યા કરે છે, એ અમને કશું નુકસાન કરતો નથી, પણ અમને કનડ્યા કરે છે, અને એ કાંઈ ઓછું નુકસાન છે? એની જ્યાં જરૂર નથી ત્યાં એ શા માટે માથું મારે છે? અમારી સાથે ભળે એવું અમે ઇચ્છતા નથી. અલબત્ત, એવો સમય હતો જ્યારે અમે પાંચ સહી લઈએ છીએ તે પેલા છઠ્ઠા સાથે સંભવિત નથી, એની સાથે એ સહી લઈ શકાય નહીં. ગમે તેમ પણ અમે પાંચ છીએ અને અમારે છ થવું નથી. અને આમ સદા સાથે હોવામાં મુદ્દો પણ શો છે ત્યારે? અમારે પાંચ માટે પણ એ અર્થહીન છે, પણ અમે સાથે છીએ અને સાથે રહીશું; પણ એક નવું જોડાણ અમને પસંદ નથી; અને તે અમને જે અનુભવ થયો તેને કારણે જ. પણ આ બધું પેલા છઠ્ઠાને સમજાવવું શી રીતે? લાંબી સમજૂતી આપવા જઈએ તો આખરે એને અમારા વર્તુળમાં સ્વીકારી લેવા જેવું થાય, તેથી અમે કશું નહીં સમજાવવાનું જ પસંદ કરીએ છીએ. અમે એને કોણી મારીને દૂર હડસેલી દઈએ છીએ, પણ અમે એને ગમે તેટલા દૂર હડસેલી દઈએ તોય એ પાછો આવે જ છે. એતદ્ : જૂન, 1979