કાવ્યમંગલા/પગલાં

Revision as of 01:44, 23 November 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પગલાં

દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊંચી અટૂલી અમે બાંધી જી રે,
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનાનું એક પાડજો જી રે,
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું રૂપાનું એક પાડજો જી રે, ૧૦
પગલામાં વાત લાખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.

ત્રીજા મહેમાન તમે, આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે,
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.

ધીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી રે,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે. ૨૦

(૩૧ જુલાઈ૧૯૩૧)