કાવ્યાસ્વાદ/૫૪

૫૪

આ સન્દર્ભમાં પોલિશ કવિ નોવાકની એક કવિતા યાદ આવે છે : એ કાવ્યમાં કવિ પોતાને છોડીને ચાલ્યા જવાની વાત કરે છે. જે મહદૃવનું છે તે ચાલ્યા જવાની રીત. કવિ કહે છે : હવે હું મને છોડીને ચાલ્યો જાઉં છું – જેમ મીઠું સમુદ્રને છોડીને ચાલ્યું જાય તેમ, અથવા તો શાન્તિની ડાળખી પરથી લોખંડ ધીમે ધીમે ઝરપી જાય તેમ. મારામાંથી પ્રસરતી કસ્તુરીની ગન્ધ પારખતા દુનિયાભરના કૂતરાઓ પાછળ દોડ્યા આવે છે. ખેતરમાંના ઘાસના કુંદવા સુધી, નદીના કાંઠા સુધી પણ હું તો ત્યાં હોતો નથી. ત્યાં તો હવે માત્ર છે કંથારિયાના ઝાંખરાં, એ લોકો મને ચૂંટવા જાય, કોઈ ભગત માળાના મણકાને ટેરવેથી ઝીલે તેમ. હું મારાથી દૂર નીકળી જઈને મારા ભૂરાં ભૂરાં સ્વપ્નોને કુંદવાને જોઉં છું. એને ચરી જવાને કેટલાય અશ્વો ઊભા છે. એને મારા દાદા હથેળીમાં સાકર રાખીને ખવડાવે છે. મારા બાળપણના એ સ્વર્ગમાંથી ઝૂકીહૃે એઓ સાકર ખવડાવી રહ્યા છીએ. જીવનનો પ્રવાહ ક્ષીણ બને ત્યારે પોલાણો શૂન્યથી ગાજી ઊઠે છે. જે કદી ભયના કારણ રૂપ નહોતું તે ભયજનક બની રહે છે. ગાડી ચૂકી જવાનો ભય તે ભય નથી, એ તો ચિન્તા છે; પણ જેને મળવાનું નક્કી કર્યું હોય ને નાનું ભૂલકું પાછળથી આવીને ખભા પર હાથ મૂકે છે તોય ચોંકી જવાય છે. હંમેશાં પાછળ રહેનારો આપણો પડછાયો એકાએક આપણી આગળ આવીને ઊભો રહીને આપણનેય અટકાવી દે છે. પ્રકટેલા દીવામાંથી અન્ધકારના સ્ફુનિંલગો ખરતા દેખાય છે. ડચ ક્વયિત્રી વાસાલિસ કહે છે તેમ ત્યારે બધું જ ભયનું ઉદ્દીપન બની રહે છે. અન્ધકાર તો ભયનો વાસો છે જ, પણ ગાલીચામાંના પોપટ પણ પાંખો ફફડાવીને ભયભીત કરી મૂકે છે. આપણે ઓરડામાં રોજની જેમ જ બેઠા હોઈએ છીએ ને એકાએક શાન્તિનાં ઘોડાપૂર ચઢતાં લાગે છે, તો વળી ક્યારેક બહારથી જતા ફેરિયાનો સાદ શરીરમાં ધ્રુજારી ફેલાવી દે છે. મિજબાની ચાલતી હોય અને બધાં વચ્ચે આનન્દથી બેઠા હોઈએ ત્યાં એકાદ ચમચીનો અથડાવાનો રણકો વિક્ષુબ્ધ કરી નાખે છે. બસમાં જતા હોઈએ છીએ ને એકાએક લાગે છે કે કોઈક એકસરખું આપણને ટીકીટીકીને જોઈ રહ્યું છે. બસમાંથી કૂદી પડવાનું મન થાય છે. પછી સમજાય છે કે એ તો હું જ બારીના કાચમાંના મારા પ્રતિબિમ્બને ટીકીટીકીને જોઈ રહ્યો હતો. ગમે તેમ પણ ભય સાથે હવે ઘરોબો બંધાતો જાય છે. પણ હમણાનું એમાં કશુંક નવું ઉમેરાયું છે. એને એકદમ પારખી લેવાતું નથી. તેથી એમ લાગે છે કે એ મારો ખાતમો બોલાવી દેશે. હું જીવ્યે જવાહ્યં અનેક કારણોની થપ્પી નીચે એને દાટી દઉં છું, પણ એ તરત ડોકું ઊંચું કરીને મારી સામે તાકી રહે છે. કદાચ એ મને પરિચિત કોઈ વૃદ્ધાનો ચહેરો જ છે – હાડકાં પર ચામડી મઢેલી છે, એ નિઃશબ્દ મારા ઓરડામાં પ્રવેશે છે ને કાનમાં ગુસપુસ કરતી હોય તેમ કંઈક બોલે છે આશાવાદી લોકો કમલવનવાસી અને કેવળ મધુપ્રાશી હોેેય છે. આથી જ તો પોલિશ કવિ હાસિર્મોવિચે આક્રોશપૂર્વક કહ્યું છે : આ કાંટાઓ વચ્ચે ગુલાબના બાઘા રાતા મુખની વાત કરશો નહિ. કાંટો તો સાચો ફિલસૂફ છે. એ સ્થિર દૃષ્ટિએ જગતને જુએ છે, એણે મોઢા પર ધૂળનો બુરખો પહેર્યો હોય છે. તડકો ગરીબનાં ઘરનાં ઘરેણાંની જેમ ચળકે છે. સવારનું ઝાકળ એમાં હસી લે છે ને પછી ગરીબના વણલૂછેલાં આંસુની જેમ અદૃશ્ય થઇ જાય છે. કોઈ બીજા ગ્રહની આબોહવા જેવું ધુમ્મસ બધે પ્રસરી જાય છે. સમય પ્રહરી જેવો ઊભો છે. એમાંય છીંડું પાડીને ચોરપગલે થોડો આનન્દ ઘરમાં પ્રવેશી જાય છે. રિલ્કેએ એની એક કવિતામાં આપેલું આશ્વાસન યાદ આવે છે : આ જે બધું અનુભલે છો તે સુખ હોય કે દુઃખ, એથી એક વાત તો નક્કી કે ઈશ્વરે તમને પસંદ કર્યા છે, ઉવેખ્યા નથી. તમે સબળ છો, અખણ્ડ છો. તમે તો હૃદયના પહેલા ધબકારા જેવા, તમે તો તીરને દૂર છોડનારા ધનુષ જેવા અને વળી તમે જ તો લક્ષ્ય. આંસુ પાડશો તેમાંય તમારું હાસ્ય સદા ચમકતું દેખાશે. આથી જે સહન કરવાનું આવે તેનાથી ડરશો નહિ, એનો જે ભાર લાગે તે પૃથ્વીને પાછો સોંપી દેજો. પર્વતો ભારે જ હોય, સમુદ્રો પણ ભારે જ હોય. તમે શિશુની ક્રીડા રૂપે જે વૃક્ષો રોપેલાં તેય જુઓને, ક્યારના કેટલાં ભારે થઈ ચૂક્યાં છે! હવે તમે ઊંચકીને ફરી શકશો? પણ તમે પવનને ઉપાડીને ફરી શકો, મુક્ત અવકાશને ઉપાડીને જરૂર ફરી શકો. આપણું કામ તો આપણા સૌની વચ્ચે બને તેટલા મુક્ત અવકાશને પ્રસારવાનું છે.