કાવ્યાસ્વાદ/૫


અમેરિકી કવિ આવી જ કોઈ ભયની ક્ષણે બોલી ઊઠ્યો હતો. આ અતિ ઉજ્જ્વળ પ્રચંડ અને દ્રુત સૂર્યોદય મને હણી નાંખશે, જો હું મારામાંથી આજે અને હમેશાં સૂર્યોદયોને પ્રકટ કરી ન શકીશ તો આ સૂર્યોદય મને હણી જ નાંખશે. આપણે પણ દરેક પ્રભાતે સૂર્યની જેમ ઉજ્જ્વળ અને પ્રચણ્ડ બનીને અવકાશમાં આરોહણ કરીએ છીએ. આપણે પણ પ્રભાત વેળાની શીતળતા અને શાન્તિમાં આપણા પોતાના સૂર્યને પામીએ છીએ. મારી આંખો જ્યાં પહોંચી શકતી નથી ત્યાં મારો શબ્દ જાય છે. મારા ધ્વનિના આન્દોલન વચ્ચે હું અનેક જગતો અને બ્રહ્માણ્ડોને સમેટી લઉં છું. વોલ્ટ વ્હીટમેનના આ પ્રાત:કાળના ઉદ્ગાર મને ગ્રીષ્મની પ્રભાત વેળાએ યાદ આવે છે. આજે જોઉં છુ તો ભયથી નહીં ઉચ્ચારી શકાયેલા શબ્દોનો જનાજો પસાર થઈ રહ્યો છે.