કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/કવિ અને કવિતાઃ ઉમાશંકર જોશી

From Ekatra Wiki
Revision as of 12:20, 15 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિ અને કવિતાઃ ઉમાશંકર જોશી|}} {{Poem2Open}} <Center>'''૧'''</Center> વીસમી સદીના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કવિ અને કવિતાઃ ઉમાશંકર જોશી


વીસમી સદીના યુગદ્રષ્ટા સર્જક ઉમાશંકર જોશીનો જન્મ તા.   ૨૧-૭-૧૯૧૧ના રોજ બામણા (જિ. સાબરકાંઠા)માં થયો હતો. તેમનું મૂળ ગામ શામળાજી પાસેના ડુંગરોમાં આવેલું લુસડિયા. પણ છપ્પનિયા દુકાળમાં તેમનું કુટુંબ ઈડર પાસે આવેલા બામણા ગામમાં વસેલું. માતા નવલબહેન. પિતા જેઠાલાલ જોશી. ઉપનામ ‘વાસુકિ’, ‘શ્રવણ’. પ્રાથમિક શિક્ષણ ત્રણ ધોરણ સુધી બામણામાં, ત્યારબાદ અંગ્રેજી સાત ધોરણ સુધી ઈડર છાત્રાલયમાં રહીને ઈડરની શાળામાં અભ્યાસ. ત્યાં પન્નાલાલ પટેલ તેમના સહાધ્યાયી. શિક્ષકો સારા મળ્યા. ૧૯૨૮માં અમદાવાદની પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. મૅટ્રિકની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રમાં પ્રથમ. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અભ્યાસ. તેઓ ઇન્ટર આર્ટ્સમાં હતા ત્યારે, ૧૯૩૦માં, ૧૯ની વયે તેમણે સ્વાતંત્ર્ય-ચળવળમાં ઝંપલાવ્યું. ૧૯૩૦થી ૧૯૩૪ સુધી તેઓ સત્યાગ્રહની લડતમાં સક્રિય રહ્યા. આ દરમિયાન તેઓ સાબરમતી જેલમાં મરાઠી અને યરવડા જેલમાં બંગાળી શીખ્યા. જેલવાસ દરમિયાન તેઓ ઉર્દૂ પણ શીખ્યા. ૧૯૩૪માં પિતાનું અવસાન થયું. ૧૯૩૬માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર તથા ઇતિહાસના વિષયો સાથે બી.એ. તથા ૧૯૩૮માં ગુજરાતી તથા સંસ્કૃત વિષયો લઈ એમ.એ. થયા. ૧૯૩૭માં એમની જ જ્ઞાતિનાં જ્યોત્સ્નાબહેન સાથે લગ્ન થયાં. આ લગ્નના કારણે તેમને નાત બહાર મૂકાવાનું બનેલું. મુંબઈમાં વિલેપાર્લેની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે, સિડનહામ કૉલેજમાં ગુજરાતી વ્યાખ્યાતા તરીકે તેમણે કામ કર્યું. ૧૯૩૯માં તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સંશોધન વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૪૧માં પુત્રી નંદિની તથા ૧૯૪૮માં સ્વાતિનો જન્મ. ૧૯૪૬થી ૧૯૫૪ દરમિયાન તેમણે વ્યવસાયમુક્ત રહીને ‘ગુજરાતના સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક’ તરીકે ગુજરાતભરમાં અનૌપચારિક અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૫૪થી ગુજરાત યુનિવર્સિટીમાં ભાષાભવનના અધ્યક્ષ, પ્રધાન અધ્યાપક તરીકે કામ શરૂ કર્યું અને ૩૦ નવેમ્બર, ૧૯૬૬ સુધી વેતન સાથે અને ૩૧ માર્ચ, ૧૯૭૦ સુધી વિના વેતને ફરજ બજાવી. ૧૯૬૪માં જ્યોત્સ્નાબહેનનું અવસાન થયું. ૧૯-૧૨-૧૯૮૮ના રોજ મુંબઈ ખાતે ઉમાશંકર જોશીનું અવસાન થયું. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિપદે, રાજ્યસભાના સભ્યપદે, દિલ્હીની સાહિત્ય અકાદેમીના પ્રમુખપદે તથા વિશ્વભારતી, શાંતિનિકેતનના કુલપતિપદે તેમણે સેવાઓ આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ કામ કર્યું. રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદચંદ્રક, દિલ્હી સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર, ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર (કન્નડ કવિ પુટપ્પા સાથે), વિશ્વગુર્જરી પુરસ્કાર, મહાકવિ કુમારન્ આશાન પારિતોષિક, ‘રવીન્દ્રતત્ત્વાચાર્ય’ની પદવી, કેન્દ્રીય સાહિત્ય અકાદેમીની ફેલોશિપ આદિ સન્માન એમને પ્રાપ્ત થયેલાં. ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧), ‘ગંગોત્રી’ (૧૯૩૪), ‘નિશીથ’ (૧૯૩૯), ‘પ્રાચીના’ (૧૯૪૪), ‘આતિથ્ય’ (૧૯૪૬), ‘વસંતવર્ષા’ (૧૯૫૪), ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫), ‘અભિજ્ઞા’ (૧૯૬૭), ‘ધારાવસ્ત્ર’ (૧૯૮૧), ‘સપ્તપદી’ (૧૯૮૫) – આ દસ કાવ્યસંગ્રહોનો સમાવેશ ‘સમગ્ર કવિતા’ (૧૯૮૧)માં થયો છે.

બાળપણના પ્રથમ ભાષાસંસ્કાર વિશે ઉમાશંકરે ‘સમગ્ર કવિતા’ના પ્રવેશક – ‘આત્માની માતૃભાષા’માં નોંધ્યું છેઃ “બાળાપણમાં એક એક શબ્દ, જીવવાનું શીખતાં શીખતાં, પહેલવહેલો ગ્રહણ થયો હશે — આકૃતિ સાથે સંબદ્ધ, કોઈ ગદ્ય કે અવાજ સાથે સંબદ્ધ, તે કશી ખબર આપ્યા વગર પચાસ-સાઠ વરસે પણ તેવા જ રૂપે ચેતનામાં પ્રતિબદ્ધ થઈ ઊઠે, કોશ કે શિષ્ટ સાહિત્યના અર્થ-સંદર્ભ કરતાં જુદા જ ઇન્દ્રિયગ્રાહ્યતાના સંદર્ભ સાથે, અને સર્જકનું આખું કલેવર ચમત્કારક આવેશથી સભર થઈ જાય, — એ છે જાદુ બાળાપણના પ્રથમ ભાષાસંસ્કારનું.” સાહિત્ય અંગેના વલણને પુષ્ટ કરનાર પરિબળોની વાત કરતાં ઉમાશંકરે લખ્યું છેઃ “અરવલ્લી ગિરિમાળાની દક્ષિણ તળેટીએથી હું આવું છું — મારા ગામની આસપાસ વહેળાઓ, નદીઓ, જંગલો અને ડુંગરો ઓળંગીને લાંબા મારગ કાપવાનું વારંવાર બન્યું છે. જુદી જુદી ઋતુઓમાં એ લાંબા પંથ અને કુદરત સાથે વાતે વળવાની, મારી જાત સાથે વાતે વળવાની તક આપતા.” શૈશવમાં લાંબા પંથ કાપવાના ને કુદરત સાથે વાતે વળવાના કારણેસ્તો માઈલોના માઈલો આ કવિની અંદરથી પસાર થયા હશે, લહેરાતાં ખેતરોનો કંપ અંગઅંગે ફરક્યો હશે; કોઈ ખરતો તારો કવિને અનંતની કરુણાનો અશ્રુકણ લાગ્યો હશે ને વિશ્વોનાં વિશ્વો કવિની આરપાર પસાર થયાં હશે. ૧૯૨૮માં દિવાળીની રજાઓમાં તેમણે આબુનો પ્રવાસ કર્યો. નખી સરોવર ઉપર શરતપૂર્ણિમાના અનુભવમાંથી તેમણે સુંદર સૉનેટ રચ્યું. તેની છેલ્લી પંક્તિ: ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ આમ તેઓ આ સૉનેટથી સત્તર વર્ષની વયે કાવ્યદીક્ષા પામ્યા. આ સૉનેટ આબુથી ઊતરતાં અને ઈડર સુધી પગપાળા આવતાં મનમાં આકારિત થયેલું. ડુંગરોમાં તેઓ ખૂબ ભમ્યા છે ને તેમના મનની કોઢમાં કંઈ ને કંઈ સતત ચાલ્યા કર્યું છે. ઉમાશંકરે પોતાની શબ્દયાત્રા વિશે વાત કરતાં નોંધ્યું છેઃ “ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો? સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, — એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ. એક બાજુ ઋણ વધતું જ જાય. બીજી બાજુ યત્કિંચિત્ ઋણ અદા કરવાની તક પણ ક્યારેક સાંપડે. શબ્દના ઋણનું શું? શબ્દને વીસર્યો છું? પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો વેઠ્યો નથી. શબ્દનો સથવારો એ ખુશીનો સોદો છે, કહો કે સ્વયંભૂ છે. શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ (જેવી ‘અમે ઇડરિયા પથ્થરો’ છે) રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ. કવિતા એ આત્માની માતૃભાષા છે. એ વ્યક્ત થાય છે એ ઇચ્છે ત્યારે, આપણે ઇચ્છીએ ત્યારે નહીં.” આમ, આ કવિએ શબ્દધર્મ તો નિભાવ્યો જ છે, સાથે માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોના કેન્દ્ર તરફ ડગ ભરીને માનવધર્મ પણ ઉજાળ્યો છે.