કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૨૯. પંચમી આવી વસંતની

૨૯. પંચમી આવી વસંતની

કોકિલ, પંચમ બોલ બોલો
                   કે પંચમી આવી વસંતની.
          દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં!
          ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
                   લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
                   કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો
                   કે પંચમી આવી વસંતની.
          આંબે આંબે હસે રસની કટોરીઓ,
          ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
                   આછો મકરંદ મંદ ઢોળો
                   કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો
                   કે પંચમી આવી વસંતની.
          ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
          હેતે વધાવી એને લો રે ઓવારણાં.
                   ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો!
                   કે પંચમી આવી વસંતની.

અમદાવાદ, ૧૬-૧-૧૯૪૯
(સમગ્ર કવિતા, પૃ. ૪૬૭)