કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૩૦. ચાલને,

Revision as of 15:50, 16 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૦. ચાલને,



ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળતી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિયંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને!

વિરહસંતપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો!
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો!
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવીસૈંથા સમો ઝગમગે,
દૂર સરવરપરે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જ્વળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હૃદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને!

(સમગ્ર કવિતા, પૃ. ૪૭૯)