કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૦. ભગવાન આપો

૧૦. ભગવાન આપો

ઉશનસ્

મારો મને પાછો અસલ ભગવાન આપો,
જોઈ લીધું એના વગર એકાન્ત, એનોયે વિરહ;
રે શો અસહ!
ભીંત પરથી કોઈએ એની છબી લીધી ઉતારી
ને દીધી, બદલે, જડી મારી જ મારી!
મારી જ ભીડથી મેં ઉજાડી મેલ્યું ઘર,
એના વગર રે શો રહ્યો સૂનકાર મારી!
મારા ઘરે એની જૂની પેલી છબીને કોઈ સ્થાપોo

જે ક્ષણે મેં ખોઈ નાખ્યો એહમાં વિશ્વાસ,
વિશ્વમાળાથી તૂટ્યા મણકા સમો હું વ્યસ્ત ઠુકરાઉં,
એ પ્રેમના બંધન વિનાનો ‘મુક્ત’ હિજરાઉં,
આટલી મારી ન’તી રે જોઈતી ‘મુક્તિ’,
એ સૂત્રમાં પ્રોવાઈ જાવાને ફરી જો કોઈ યુક્તિ
દાખવે તો એ ગળે માળા કરી આરોપી દૌં
મુજ શ્વાસ શ્વાસ,
આ ‘મુક્તિ’ કેરાં જાળ — બંધન
કોઈ કાપો, કોઈ કાપોo

હું નગ્ન થાતો જાઉં છું આ વસ્ત્રસંસ્કૃતિપુંજઢંક;
હે કૃષ્ણ! લો હરી સભ્યતાનું વસ્ત્રછલ,
આપો મને કૌપીન — એ પીતાંબરી — પ્રાચીન વલ્કલ,
થોડોક મુજને દો કરી પ્રાચીન તો ઠીક;
ના સહું હું આટલો અત્યાધુનિક,
શ્રદ્ધાભરી એ મસ્તીને મુકાબલે છું કેટલો હું રંક!
રોમાંચ માગું, ખેલવાને દો મને અહીં,
આ ધરા પર ઇન્દ્રચાપોo

૨૮-૧૧-૫૯

(સમસ્ત કવિતા, પૃ. ૧૮૯)