કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૨. ગાડાવાટે

૧૨. ગાડાવાટે

ઉશનસ્

બળડડોકના ઘૂઘરા સુણું રોજ હું ભાંગતી રાતેઃ
કોણ જતું ને આવતું રે નિત ગામની ગાડાવાટે?

કણકણ રજની કિચૂડનાદે સાંભળું હું કચરાતી,
સ્મૃતિ મુજ સત્વર વતનગામને પાદર પ્હોંચી જાતી,
સારસને સ્વર નીરવ રજની તૂટતી તલાવઘાટે.         —બળદo

કલ્પી રહુંઃ ઈદચાંદમાં ઝાંખી ચળકે અરબી રેતી,
પ્રલંબ ઓળે કારવાં ઢૂંઢી દૂર નગર કો લેતી,
બુલંદ દરવાજા ઊઘડે જ્યાં બાંગ શું કિચૂડાટે.         —બળદo

આમ જ એક દી નીકળી હોશે વડવાની વણજારે,
રેત કુમારી પીલતી પૂગી સંસ્કૃતિના સિંહદ્વારે,
મન મારું ઊપડી રે જાતું દૂરના રઝળપાટે.         —બળદo

૧૩-૩-૫૬

(સમસ્ત કવિતા, પૃ. ૨૨૮)