કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૪. ગૃહપ્રવેશે

From Ekatra Wiki
Revision as of 08:57, 14 July 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૨૪. ગૃહપ્રવેશે

ઉશનસ્

અને હાવાં મારા ઘરમહીં પ્રવેશું છું જીરણ
ઊંચા શ્વાસે, ભારે હૃદય થઈ તૈયાર સહવા
ગમે તે આઘાતો—વળી નીરખવા દૃશ્ય કપરું
ગમે તેવું, પેલો સમય કશી મુદ્રા મૂકી ગયો,
જતાં જાતાં હ્યાંથી ઉઝરડી કશું જીવન ગયો;

પ્રવેશું ત્યાં ઊડ્યાં કબૂતર વીંઝી પાંખ ઘરમાં,
હલી ઊઠી આખી વળગણી સુકાવેલ વસનો
પુરાણાં હાલ્યાથી, ભીંત ઉપર કૅલેન્ડર હલ્યાં,
પુરાણા દટ્ટાનાં પરણ વણફાટેલ ફરક્યાં,
— અને એમાં આછી ફરકી ગઈ કે પર્વતિથિઓ —
વળી થોડી જૂની ભીંત પરથી ગૈ કાંકરી ખરી;

દીઠા ફોટે ફોટે નીડ ચકલીકેરા તૃણગૂંથ્યા
ગઈ જ્યાં પેઢીઓ ઊછરી, ઊડી ગૈ ચક્ચક કરી;
—અરે, કૈં પેઢીઓ ઊછરી ઊડી ગૈ ચક્ચક કરી...

(સમસ્ત કવિતા, ‘વળી પાછા વતનમાં’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૯૧)