કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૫. ગ્રીષ્મ-ગાય

From Ekatra Wiki
Revision as of 09:03, 14 July 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૨૫. ગ્રીષ્મ-ગાય

ઉશનસ્

કંઈ તડકે તપતી ઝૂંપડી,
ને કંઈ ઝૂંપડે લીંપી છાંય,
કે છાંયમાં ઊંઘ્યા કરે એક ગાય.

કંઈ અરધી ઊઘડી આંખડી
ને કંઈ ઝંઝા ઘૂમરી ખાય,
કે એની ઊની ઊની લૂ વાય.
એને અધમીંચેલે પોપચે
તે કંઈ મૃગજળ મલકી જાય,
કે વગડો તરવર તરવર થાય.

કંઈ જડબું આછું હાલતું
ને કંઈ તડકા વાગોળાય,
કે ખડની ગંજી ઓછી થાય.
કંઈ ચમકી ઊઠે ચામડી
ને કંઈ થરકી ઊઠે કાય,
કે મનમાં મેહુલિયો ઘેરાય...

કંઈ તડકે તપતી ઝૂંપડી
ને કંઈ ઝૂંપડે લીંપી છાંય.
કે છાંયમાં ઊંઘ્યા કરે એક ગાય.

૨૧-૪-૬૭

(સમસ્ત કવિતા, પૃ. ૩૨૨-૩૨૩)