કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૪૯. પાછા ફરતાં


૪૯. પાછા ફરતાં


ગયા ત્યારે બધું નકરું હતું, આપણું, આપથી અદકેરું
– પાછા ફરતાં પરાયું!
આ મેજ, આ ખૂણો, અહીં બેસી કર્યાં કંઈ કાજ,
ખાટલે મૂક્યા’તા પત્રો, અધૂરી કવિતા...
બધું ત્યાં જ છે.
દીવાલે ડાઘા, હતા તેવા જ છે.
જાળીએ જાળાં,
માળિયે તાળું,
આ બારી હજી પૂરી વસાતી નથી,
પંખોય કચડાટ ભૂલ્યો નથી!
આંગણુંય ભર્યું ભર્યું
પાંદડાંની પથારી.
મધુમાલતી મ્હોરી છે, રાતરાણીય વરસશે,
આંબો ને આસોપાલવ અડગ ઊભા,
જાસૂદનો રંગ બદલાયો નથી.
આ ટોચેલાં સીતાફળ અડધાં મૂકી
પોપટ ઊડી ગયા છે!
– અને ત્યાં ખિસકોલું ઝડપવા લપાઈ બિલ્લી,
ગયા ત્યારે બચ્ચું હતી, તે જ કે?
હતું તેવું જ
આ બધું
ટોળાં કેમ છોડી ગયાં?

ટોળાં તો ગયાં,
ઘર હજી અકબંધ.
પણ આ વાસ શેની?
તાળું ખોલતાં જ ફોયણે ચડી,
આંગળેથી આગળે, નકૂચે લબડી
જાળી ને સળિયે સળવળી
દીવાનખાને
ઢોલિયે
ઢળી,
ઠરી ઠામડે.
ચોંટી બધે ચીકણી, હવામાં હણહણી.
હજી બેઠા નથી ત્યાં તો
વ્હાલથી ગોઠવેલી
દીકરીની ચોપડીઓમાંથી
અક્ષરો ઊતરી પડ્યા
કીડિયારે,
માના ઘરડા પટા૨ે પૈડાં આવ્યાં,
મોલેલાની મટોડી માતા
ઊતરી ગઈ પગથિયાં
– ને આ ગોદડાં ને ગાદલાંય ઊપડ્યાં!
વળગણીએ ધ્રૂજતી ખીંટી ઢીલી થઈ ઢળી
ને ટીંગાતું ઘ૨
લૂગડાંનો ગોટો વાળી
અમને નોધારા મૂકી
ઝાંપે જઈ ઊભું.

દરિયાપારથી દીકરી આવી
આખે રસ્તે બધું એમનું એમ જ.
વિમાનવાટે, સ્ટેશને, રસ્તે
ગઈ વેળાની દુનિયા
હતી તેવી ને તેવી.
વિમાની ખાણું પહેલાં જેવું જ
ફિસ્સું હતું,
બારીનાં વાદળ એવાં જ ભરમીલાં.
સ્ટેશન એવું જ કામઠું
ભભડાટે ભરેલું.
ટોળાં એવાં ને એવાં
બોલી બદલાઈ નથી,
ગાળોય નવી નથી!
કૂતરાં ને ભૂંડ,
હરાયાં ઢોર
હજુ ભસે, ભૂંકે પહેલાં જેવું જ.
કહે છે કે કશું થયું નથી,
શાંતિ છે,
બધું ઠરીઠામ.
તો પછી આ દુકાનદાર અવળું કેમ બોલે છે?
રિક્શાવાળો ટોળાંમાંનો તો નહિ હોય?
અને આટલે દહાડે પાછા ફર્યા તો પણ
આ ઘર
અમને લેવા આગળ કેમ આવતું નથી?

૨૦૦૨-૦૩
(અથવા અને, પૃ. ૧૫૦-૧૫૪)