કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૨૦. ખરી પડતા વાળ અટકાવવા જતાં
ચંદ્રકાન્ત શેઠ
<poem> અમે જો હસી શક્યા હોત
- તો ફૂલો સલામત હોત,
- આકાશ મોગરા જેવું સ્વચ્છ હોત,
- ને પવનની ગતિયે સરળ હોત નિર્મળ સરોવર-શી.
પણ અમે અમારા હાથની મુઠ્ઠીઓ વાળી
- બધુંયે કરી દીધું જટિલ અને ભારેખમ.
પગલાં પૂજાય એ લોભથી અમે એમને
- અટકાવીને બાંધી દીધાં જડબેસલાક.
પાંચ માણસમાં પુછાતા થઈએ તે માટે
- અમે પ્રશ્નોને ફૂટતા ડામી દીધા ભીતરમાં,
અમે ફૂલ પર ઢોળ ચઢાવ્યો પ્રૌઢત્વનો
- ને ઠરેલ થવા બેઠા અમારા ભોગે.
ચારે બાજુએથી – અરીસામાંથી, પથારીમાંથી,
- થાળીમાંથી ને થોથાંમાંથી
ઢગલાબંધ ઝાંખરાં ફૂટીફૂટીને
- અમને ઘેરવા લાગ્યાં છે ચોતરફથી.
હવે તો શ્વાસ પણ લઈ શકાતો નથી ઉઝરડાયા વિના! આંસુના એક ઊના ટબકલાથી
- દૂમ દબાવીને ભાગતી આ સસલા જેવી જિંદગી
- એને કેમ પાછી વાળી શકાશે પારધીની નજરમાંથી?
કોઈ જૂઈની નિર્દોષ આંખડીમાં આંખ ડુબાવીને જોયું હોત... કોક આંગણે ચડી આવેલા રખડુ ચંદ્રકિરણને
- બારણાની તરાડમાંથીયે અંદર પ્રવેશવા દીધું હોત...
કોક ખિસકોલીને એમ જ ખેલવા દીધી હોત ઉંબરા પર... પણ... અમે તો પાણીનો ઘૂંટ ભરતાં થતા અવાજ વિશે
- ગંભીરપણે ચિંતન કર્યું!
સવારે અકસ્માત્ આવેલી છીંક વિશે
- રાતોની રાતો જાગીને વિચાર્યું!
અમને અમારા ટી-ટેબલની સુઘડ રીતભાત
- પાયામાંથી જરાયે ડગે તે મંજૂર નથી.
અમારા સુગંધીદાર રૂમાલના ભોગે કશીયે
- ચોખવટ થાય એમાં અમને ઉત્સાહ નથી.
અમે હવે બાલિશ બનીને અમારી સર્વમાન્ય
- પ્રૌઢિની ઉપેક્ષા ન કરી શકીએ;
ને અમે હવે રમતની રીતે જીવનને વેતરી પણ ન શકીએ! હું પૂછું છું : એવું તે શું બની ગયું છે કે
- સૂરજ હવે મ્લાન થતો જાય છે?
ને કોક ફિક્કાશ ફરી વળે છે આ વિચારશીલ ચહેરામાં? કદાચ સારું થાત,
- જો અમે ફૂલની જેમ ઝડપથી ખરી ગયા હોત
- ને અમારે હસવું જોઈએ એમ અમને ન લાગ્યું હોત તો.
પણ શું થાય? ખરી પડતા વાળને અટકાવવા જતાં જ
- આવું કંઈક બની ગયું અણધાર્યું – એકાએક!
(પડઘાની પેલે પાર, ૧૯૮૭, પૃ. ૧૦)