કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૨૩. માછલી જ બાકી?

Revision as of 11:08, 29 July 2021 by KhyatiJoshi (talk | contribs)
૨૩. માછલી જ બાકી?

ચંદ્રકાન્ત શેઠ

આખો દરિયો તેં જાળ મહીં ઝાલ્યો ને માછલી જ બાકી?
આમ ગોરંભો કેટલો તેં કીધો ને વીજળી જ બાકી?

હોડીના હાંકનાર ખોવાયા હોડીમાં,
ખોવાયાં હાથમાં હલેસાં;
દરિયાના શ્વાસ બધા સઢમાં શોષાઈ ગયા,
ખડકો તે લોઢને ગળે શા!
દરિયાને ઝાલતાં જ તુંયે ઝલાય મહીં,
એવી આ જાળ કેમ રાખી? —

કોને તે બેટ જઈ ઝળહળતા સાહસના
દેવા’તા તારે સંકેત?
જાળ મહીં આવેલા દરિયે તો દેખ,
કેવી તળિયાની કોરીકટ રેત?
તારામાં હોડી શું? હોડીમાં દરિયો શું?
દરિયે કઈ માછલડી તાગી
કે છુટ્ટી તેં જલને વેરાન જાળ નાખી?

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩)