કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૪૫. ‘પાંચ अ-કાવ્યો’માંથી

Revision as of 15:19, 29 July 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૫. ‘પાંચ अ-કાવ્યો’માંથી

ચંદ્રકાન્ત શેઠ


પ્લાસ્ટિકની કોથળીઓ
ઊભી વાટે ઊડાઊડ કરતી આ પ્લાસ્ટિકની કોથળીઓ :
પ્રદૂષણની પોટલીઓ!
ભુખાળવી ગાયોની જઠર પર ઘસાતી
મૈયતની કારમી ઓકળીઓ!

આ કોથળીઓને
ટપટપ વીણીને લઈ જનારી
પેલી પસ્તીવાળી થીંગડિયાળી બાળાઓ
ન આવી શકી આ મંગળ પ્રભાતે!
સૂર્યોદયમાંથી સર્વોદય અવતરવાની
એક રંગીન આશાનું
આ અકાળ મરણ!

કુળની લીલી વાડીના
આ વસમા સુકારાએ
નીંદર ગુમાવી બેઠેલી
ઘસાઈ ગયેલા સિક્કા જેવી મા
મેલા પાલવનો ચીંથરાળો છેડો
નપાણિયા કૂવાના જર્જર થાળા જેવી કેડે ખોસી,
લચી પડી – મચી પડી
એક પછી એક પ્લાસ્ટિકની કોથળીઓ વીણવામાં!

પે...એ...લ્લી મસમોટી કોથળી!
રેશનિંગનો બાજરો ભરવામાં કામ લાગશે...
ઓ પે...લ્લી દૂધની ખાલ કોથળી...
આવી પચીસ-પચાસ કોથળીઓ જડી જાય ને...
તો... તો...
પસ્તીવાળાને દેતાં રૂપિયારોડાનો પાકો જોગ થઈ જાય...
પેલી કોથળી ભલે ને રહી નાની,
પણ મારી બે રૂપિયાની નોટનાં અડધિયાં
ગોઠવાઈ જશે એમાં બરોબર!
પિન મરાવી દઈશું પેલા પસા પટાવાળા કને
એટલે ચાલશે કોઈ ગુજરીની હાટમાં...
અને પેલી સજ્જડ બંધ થાય એવી કોથળી
બાબુડાને કામ આવશે ચવાણું ભરી દેવામાં...
એ ચવાણું ભરી દેવાના પ્લાસ્ટિકના ડબ્બા
આમ ક્યાં પડ્યા છે રેઢા – રસ્તામાં?
દોડબોડમાં બાબુડો પહેલો આવી
ખેંચી લાવે કોઈ ડબ્બાનું ઇનામ...

પણ...
માની પસ્તી જોવા ટેવાયેલી નજર
અટકી ગઈ બાબુડાના રાંટા પગ આગળ...
મા અટકી ગઈ બોલતાં બોલતાં...
પછી બબડી :
હવે તો મારે આ બાબુડાને માટે ચાવણા જોગી
બેચાર કિલો કોથળીઓ તો ભેળી કરવી જ છે!

૧૩-૫-૨૦૦૩


(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૪૯)