કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૨.અજાણ્યા આ શ્હેરે


૧૨.અજાણ્યા આ શ્હેરે

ચિનુ મોદી

અજાણ્યા આ શ્હેરે પરિચિત ન કોઈ...
ટિખળથી

ખણી લેતાં ચૂંટી ગુલબી ગુલબી ગાલ ફૂટડા
થતા જેના, એવી લઘુક વયની બ્હેન સરખી
ઉષા.

વ્હેલો આવી કિરણકર લાંબા કરી બથે
લઈ લે છે વ્હાલે સમવય સખો સૂર્ય મુજને
અનાયાસે પંથે નિત મળી જતી કોક યુવતી
સમી લાગી સંધ્યા ચિરપરિચિતા...
ને નભ વિશે

(જૂની, ઝાઝાં જાળે સભર, મુજ બારી થકી સદા
નિહાળ્યું એને એ નીલિમ) નિતના મારગ પરે
ભરી છાબે જાતી તિમિરતનયા માલણ કદી,
કદી મોજે વેરે મબલખ ફૂલો શ્વેત નમણાં. પરોઢે પોઢીને પલકભર, બે પાંપણ પરે
જતાં સ્વપ્નાં જેવાં પણ અહીં વસે લોક; મુજનું
અજાણ્યા આ શ્હેરે પરિચિત ન કોઈ...)
(ઊર્ણનાભ)