કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૮.શક્યતાની ચાલચલગત...


૨૮.શક્યતાની ચાલચલગત...

ચિનુ મોદી

શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.

નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં?
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’?

પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.

હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે,
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?

એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’
(ઇર્શાદગઢ, પૃ. ૫૯)