કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૩.અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે

Revision as of 11:32, 11 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૩.અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે|}} <poem> અવાજોના ઘુઘવાતા દર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૩.અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે

અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે,
સતત મૌન પાળીને બેસી રહ્યો છું;
તમે હોવ છો ને નથી કેમ હોતાં ?
થતો પ્રશ્ન ખાળીને બેસી રહ્યો છું.
પવનનાં પગેરું નથી શોધતો હું,
તમે આજ પણ ચાલતાં મારી સાથે;
નથી કેમ એંધાણ મળતાં કશાં યે,
નજર બેઉ ઢાળીને બેસી રહ્યો છું.
બધા પ્હાડ મૂંગા ઊભા છે સદંતર,
ભલે ચીસ પાડું નથી ક્યાંય પડઘો;
હવે પ્હાડ, પથ્થરને ફેંકી શકે છે,
હવે જાત ગાળીને બેસી રહ્યો છું.
અરીસા વગર ક્યાંક દેખાઉં છું હું,
મને મારી ભ્રમણા મુબારક હજી પણ;
હજી પણ કશું કૈંક એવું છે જેને,
તમારામાં ભાળીને બેસી રહ્યો છું.
મને કોક ‘ઇર્શાદ’ સમજી શકે તો,
ઉતારું અહીં સ્વર્ગ ધરતી ઉપર હું;
વધે થોડી સમજણ એ ઇચ્છાથી અહીંયાં,
પલાંઠી હું વાળીને બેસી રહ્યો છું.
(અફવા, પૃ.૧૦૩)