કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૮.તને જોઈ કંપ્યું વિહગ જળનું, જાળ સરખું

Revision as of 11:19, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૮.તને જોઈ કંપ્યું વિહગ જળનું, જાળ સરખું

ચિનુ મોદી

તને તો હું, મારા સમયસરક્યા લુપ્ત વનમાં
મૃગીથી અંકાઈ પરિમલ થતું એક પગલું
– અરે, મેં સંવેદ્યું ઋજુલમય સંવેદન, કહું.

તને જોઈ જોઈ કૃષિક કવિને શ્હેરસડકે
ઢળેલા પેટ્રોલે, જળ ભળી જતાં, પિચ્છ બનતું
જણાતાંની સાથે, સ્મરણવયથી ગ્હેક મળતી;
મને મેં વિતાવ્યાં ગત જનમનાં ચિહ્ ન જડતાં.

પસારી કાયાને અલસ, વરસોનો અજગર
તરુની છાયાને તમસભરડે બદ્ધ કરતો
અરે, એવું મારું હવડઘર એકાંત નિબિડ
તને જોઈ કંપ્યું, પલગતિ ધરી, દૂર સરતું,
પરંતુ આજે તો અપરિચિત તારી નિકટમાં
તને જોઈ કંપે વિહગ જળનું, જાળ સરખું.
(ઊર્ણનાભ)