કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૮. સમણાં

From Ekatra Wiki
Revision as of 11:30, 10 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮. સમણાં|– જયન્ત પાઠક}} <poem> તમે ક્યાંથી મારે નગર, ઘરને આંગણ પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૮. સમણાં

– જયન્ત પાઠક

તમે ક્યાંથી મારે નગર, ઘરને આંગણ પિયા!
બપોરી વેળાનું અલસ સમણું તો નથી તમે!
—મને એવા એવા બહુ અનુભવો થાય હમણાં—

હું સૂતી હોઉં ને અરવ પગલે — હોય ન હવા! —
તમે આવો શય્યા મહીં, વદન મારે ઝૂકી રહો;
હું જાગી જાઉં ને ચમકી લહું ઓષ્ઠદ્વય ભીના!

સવારે જ્યાં વાળું ઘર, અહીંતહીં જોઉં પગલાં
તમારાં ને થંભી જાઉં ક્ષણ, પડું પાય વળગી;
છુપાવું લજ્જાને અમથું અમથું ગીત ગગણી!

જમું તો ઓચિંતો કવલ સરી જાયે કર થકી;
બધાંની આંખોથી જ્યમત્યમ કરી જાઉં સરકી;
ફરે પાછી ભીની નજર નીરખી બંધ ખડકી.

મને સાચાં-માચાં સુખ પણ હવે ભ્રાન્તિ-સમણાં;
પ્રતીતિ દો ચૂમી અધર, ભુજમાં ભીડી, હમણાં.

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૨)