કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૨. ભલું તમારું તીર ભલાજી—

૨૨. ભલું તમારું તીર ભલાજી—

જયન્ત પાઠક

ભલું તમારું તીર ભલાજી, ખરા તમે તાકોડી
એક મીંચીને આંખ માર્યું તે દલડું નાખ્યું તોડી!
ભાલોડે ભરવીને હેંડ્યા તરફડતી શી ટિટોડી!

કૈડ નદીની ઊભી ધોહથી ઊતરી હું તો ના’વા
શૉલે પગ બોળીને બેઠી બે ઘડી પોરો ખાવા
સામી ધોહે ખખડ્યું કૈં તે શિયાળ ભડકી દોડી!

થેપાડું ભાળ્યું મેં, કાલે આ શૉલે ધોયું’તું
છાનું છાનું પાણીમાં એક મોઢુંયે જોયું’તું
એક દનમાં કોણે જાણ્યું’તું પતાળ દેશે ફોડી!

બાબરિયાંમાં બાઝેલાં તે મને ગોખરું વાગ્યાં
લાલ લાલ આંગળીએ આખી રાત ધકોડાં લાગ્યાં
હવે ભલાજી લાવો કંઈથી ઓસડ મૂળિયાં ગોડી —
ભલું તમારું તીર ભલાજી, ખરા તમે તાકોડી!

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૧૩)