કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૮. દીકરીના લગ્ન પછી, ઘરમાં

૨૮. દીકરીના લગ્ન પછી, ઘરમાં

જયન્ત પાઠક

આખરે ઉજાગરાનો અંત આવ્યોઃ
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠવે છેઃ
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ —
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી—
પણ
અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્નઃ
‘મારી દીકરી ક્યાં?’

૨૫-૧-’૭૬

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૫૯)