કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૦. કવિતા કરવા જતાં

Revision as of 12:45, 10 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૦. કવિતા કરવા જતાં|જયન્ત પાઠક}} <poem> આપણે કવિતા કરવા જઈએ છીએ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૦. કવિતા કરવા જતાં

જયન્ત પાઠક

આપણે
કવિતા કરવા જઈએ છીએ
ત્યારે કેવા ભયભીત હોઈએ છીએ!
શબ્દની મંજૂષા, આ રહી, હાથવગી
પણ...
ચાવી જડે કે નાય જડે
મંજૂષા ઊઘડે કે નાય ઊઘડે!

માથે ઘેરાયું છે વાદળું, સંવેદનનું, આંખ વગું
પણ...
હેઠું ઊતરે કે નાય ઊતરે
જલ ઝરે કે નાય ઝરે!

કવિતા એટલે શબ્દ-અર્થ-લયની સંપૃક્તિ
બધું એકરસ, એકાકાર, લહેકાદાર
પણ...
એવું થાય કે નાય થાય
કલમ છટકી જાય, અટકી જાય, બુઠ્ઠી થાય, જુઠ્ઠી થાય...
આંખમાં ઝળઝળિયાં સાથે બધું જોઈએ છીએ
ત્યારે આપણે કેવા ભતભીય હોઈએ છીએ!

૨૧-૧૧-૧૯૮૩

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૭૩)