કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૫૧. ‘પંખીકાવ્યો’ માંથી

૫૧.‘પંખીકાવ્યો’ માંથી

જયન્ત પાઠક


ખરાં છો તમે!
નહીં કામ, નહીં કાજ
ને તોય અંધારે અંધારે ઊઠી જાવ છો,
માત્ર ગાવા જ!


પંખીઓના કલરવથી ભરેલું સવાર
આજ એકાએક મારા આંગણે આવ્યું,
બારણું ખોલીને
મેં એને વધાવ્યું.
પછી તો
ઉંબરથી ખંડમાં ને ખંડમાંથી પંડમાં
અખંડ અજવાળું! અજવાળું!
ઓહ, આજે
કેટલા દિવસ પછી, મેં ય તે આજે
સિસોટીમાં એકાએક
એક ગીત લલકાર્યું!


હું પંખીઓને કહું છુંઃ
નભ છોડો તો ચણ મળે.
પંખીઓ મને કહે છે:
ઘર છોડો તો ગગન મળે.


ઝીણી ટપટપના ડહુકા
આલાપ લાંબે રાગ ગાતી ધારના;
પંખીઓને થાયઃ
જવા દો, આપણે ગાવું નથી,
ભલે વરસાદ આજે ગાય!


અનરાધાર આ વરસાદમાં
સાંભરે છે, શૈશવે જે સાંભળ્યુંઃ
એક પંખી જાય ગાતું આભલાંબા સાદમાંઃ
ઝૂંપડી ચૂઈ... ઝૂંપડી ચૂઈ... ઝૂંપડી ચૂઈ...

(જાગરણ, ૨૦૦૯, પૃ, ૭૦, ૭૨, ૭૩, ૭૫, ૭૬)